(એજન્સી) લખનઉ, તા. ૨૯
ઉત્તરપ્રદેશના લખનઉમાં શુક્રવારે મોડી રાતે પોલીસ દ્વારા ચાલી રહેલી ચેકિંગ દરમિયાન એસયુવી કાર ન રોકતા પોલીસ કોન્સ્ટેબલે એપ્પલના મેનેજરની ગોળી મારી હત્યા નીપજાવવાની ઘટના સામે આવી છે. કોન્સ્ટેબલ અને તેના સાથી પોલીસકર્મીની કર્મચારીની હત્યાના કેસમાં ધરકપકડ કરવામાં આવી છે. ઘટનામાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર કોંગ્રેસના આરોપો બાદ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, જો જરૂર પડશે તો સીબીઆઇ તપાસ પણ કરાવીશું. આ કેસમાં તપાસ માટે ખાસ તપાસ ટીમની રચના કરી દેવામાં આવી છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. વિવેક તિવારી જ્યારે લખનઉના ગોમતીનગર બહારના વિસ્તારમાંથી પોતાની પૂર્વ સાથી કર્મચારી સાથે કારમાં પસાર થઇ રહ્યો હતો ત્યારે રાત્રે ૧.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. ફરજ પરના હાજર પોલીસકર્મીઓએ હાથ બતાવી રોકવા કહ્યું. તિવારીએ પહેલા પેટ્રોલિંગ કરી રહેલી બાઇકને ટક્કર મારી હતી અને બાદમાં ભાગવાના પ્રયાસ દરમિયાન દીવાલ સાથે કાર અથડાવી હતી.
૨. શંકાસ્પદ કાર્યવાહી જણાતા કોન્સ્ટેબલ પ્રશાંતકુમારે કાર પર ગોળીબાર કર્યો અને ગોળીબારને કારણે ગાડીનો કાચ તૂટી ગયો હતો અને તેને ગોળી વાગી હતી તેમ પોલીસ અધ્યક્ષ કલાનીધી નૈથાણીએ કહ્યું હતું.
૩. ઉત્તરપ્રદેશના એડીજી આનંદકુમારે કહ્યું કે, શહેરની હોસ્પિટલમાં ગોળીથી ઘાયલ વિવેક તિવારીનું મોત થયું હતું. પીડિતના શરીરના અવયવો સાચવીને રખાયા છે.
૪. પોસ્ટોમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું કે, ગોળી તિવારીની ડાબી બાજુની ઠોડીમાં વાગી હતી અને ગળા તથા માથાની વચ્ચેના ભાગમાં ભરાઇ ગઇ હતી.
૫. તેમણે કહ્યું કે, તપાસ ટીમે કહ્યું છે કે, કોન્સ્ટેબલે વધુ પડતા બળનો ઉપયોગ કર્યો. આ કોઇ યોજનાબદ્ધ ગોળીબાર ન હતો. તેઓ કહેતા હતા કે કાર અસ્થિર હતી, આ વ્યક્તિ બાદમાં કાર પરત લઇ રહ્યો હતો ત્યારે કોન્સ્ટેબલને લાગ્યું કે, તે ભાગવાનો પ્રયાસ કરે છે. આ સ્થિતિ ખાળી શકાઇ હોત અને તે માટે શા માટે કોન્સ્ટેબલ સામે પગલાં ન ભરાય. આ ચોક્કસપણે વધુ પડતા બળનો ઉપયોગ છે અને તે ચલાવી ન શકાય.
૬. બીજી તરફ કોન્સ્ટેબલ પ્રશાંતકુમારે જણાવ્યું કે, તેણે આત્મરક્ષામાં ગોળીબાર કર્યો હતો.કારની લાઇટો બંધ હતી. જ્યારે તે કારમાં કોણ છે તે જોવા માટે ગયો ત્યારે તેણે કાર ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમે કારની આગળ બાઇક ગોઠવી દીધી. ત્યારેતેણે અમારી બાઇકને ટક્કર મારી હતી. મેં તેને રોકાવા માટે બૂમો પાડી ત્યારે તેણે કાર રિવર્સ લઇ ફરી અમારી બાઇકને ટક્કર મારી હતી. હું તેનાથી ત્યાં પડી ગયો અને બાદમાં ઉઠ્યો હતો. તેને ડરાવવા માટે મેં મારી પિસ્તોલ કાઢી ત્યારે તે મારી તરફ ગાડી હંકારી લાવ્યો. તે વખતે આત્મરક્ષામા ગોળીબાર કર્યો હતો.
૬. તિવારી સાથે રહેલી મહિલાએ બાદમાં પોલીસ ફરિયાદમાં જુદા-જુદા નિવેદનો આપ્યા હતા.પોલીસ અમને બળજબરીપૂર્વક રોકી રહી હતી. તિવારી સરે કાર રોકી નહીં. અમે સમજી ના શક્યા કે તેઓ કોણ છે. ત્યાં કોઇ અકસ્માત થયો ન હતો. અમે ત્યાંથી જવાનો પ્રયાસ કરતા હતા. અમારી કારથી બાઇકને ટક્કર વાગી હતી પણ તે ઉભો થઇ ગયો હતો. એકના હાથમાં લાઠી હતી. કાર સામે ઉભેલા એક વ્યક્તિએ કાર સામે રિવોલ્વર તાકી અને ફાયરિંગ કર્યું હતું.
૭. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, જો જરૂર પડશે તો આ કેસમાં સીબીઆઇ તપાસ કરવા કહીશું. આ કોઇ એન્કાઉન્ટર નથી.
૮. ગોળી માર્યાના મિનિટો પહેલા જ વિવેક તિવારીએ તેની પત્ની સાથે ફોન પર વાત કરી હતી. તિવારીની પત્ની કલ્પનાએ પત્રકારોને કહ્યું હતું કે, શું કાર ન રોકવી અપરાધ છે ? હું મુખ્યમંત્રીને પુછવા માગું છું કે, આ કયા પ્રકારની કાયદો અને વ્યવસ્થા છે. તેમણે યોગી આદિત્યનાથને પત્ર લખી સીબીઆઇ તપાસની માગ કરી હતી. તેણે આ ઉપરાંત એક કરોડ રૂપિયાના વળતરની માગણી કરી હતી.
૧૦. કોંગ્રેસે યોગી આદિત્યનાથ અને તેમની

લખનૌમાં અધિકારીની હત્યા માટે સપા સરકારે કરેલી જાતિ આધારિત પોલીસ ભરતી જવાબદાર !! ભાજપના નેતાએ કહ્યું

એપલના અધિકારીને લખનઉ પોલીસના એક કોન્સ્ટેબલ દ્વારા ગોળીઓથી વિંધી નાખવામાં આવ્યાના કલાકો બાદ ભાજપના નેતાએ ઉત્તર પ્રદેશના સમાજવાદી પક્ષની ભૂતપૂર્વ સરકાર દ્વારા કરવામાં આવેલી જાતિ આધારિત પોલીસ ભરતીને જવાબદાર ઠરાવી છે. ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ જણાવ્યું કે આ પળે હું રાજકારણમાં પડવા માગતો નથી પરંતુ જાતિને આધારે સપા સરકાર દ્વારા કરાયેલી પોલીસ ભરતીનું આ પરિણામ છે. તેમણે એવું પણ કહ્યું કે મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવના શાસનકાળ દરમિયાન પોલીસમાં કરવામાં આવેલી ભરતી વિવાદાસ્પદ હતી અને ખાસ જાતિના લોકોની જ ભરતી કરવામાં આવી હતી. ત્રિપાઠીએ મૃતકના પરિવાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરીને કહ્યું કે અપરાધીઓ સામે કડક પગલા ભરવામાં આવશે. આ બેદરકારીનો કેસ નથી પરંતુ ફોજદારી ગુનો છે. ફરી આવી ઘટનાઓ નહીં સર્જાય તેના માટે અમે એક દાખલો બેસાડીશું. ભાજપના નેતાની ટિપ્પણીઓ બાદ વાકયુદ્ધ શરૂ થયું હતું. સમાજવાદી પક્ષના નેતાએ ભાજપ સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાજનીતિ કરવાનો આ સમય નથી. સપાના પ્રવક્તા અનુરાગ ભદોરિયાએ જણાવ્યું કે એપલના અધિકારીની હત્યા અંગે રાજકારણ કરવા માટે ભાજપને શરમ આવવી જોઇએ.

અમે ભાજપને મત આપ્યો અને ખુશ હતા
કે, યોગી મુખ્યમંત્રી બન્યા, હવે આ પોલીસે મારા પતિની હત્યા
કરી : પીડિત એપલ અધિકારીની પત્ની

પીડિત વિવેક તિવારીની પત્ની કલ્પના તિવારીએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, તેણે પોતાના પતિની હત્યામાં ઉચ્ચ તપાસની માગ કરી છે. તેણે પુછ્યું હતું કે, તેમને ગોળી મારવાનો ઉત્તરપ્રદેશ પોલીસને કેવો અધિકાર અપાયો છે ? પોલીસે આરોપ લગાવ્યો છે કે, ગોળી મારી ત્યારે તેઓ વાંધાજનક સ્થિતિમાં હતા, જો તેઓ ખોટા હતા તો તમે ઘરેથી ધરકડ કરી શકતા હતા. કલ્પનાએ કહ્યું કે, અમે ઘણા વિશ્વાસ સાથે ભાજપને મત આપ્યો હતો. જ્યારે યોગી મુખ્યમંત્રી બન્યા ત્યારે અમે ઘણા ખુશ થયા હતા. અને હવે અમારી સાથે આ શું બન્યું. તેણે યોગી પાસે ખુલાસો માગ્યો છે અને ન્યાયની માગણી કરી છે.

જરૂર પડશે તો કેસમાં
સીબીઆઇ તપાસ કરાવીશું મુખ્યમંત્રી આદિત્યનાથ

શનિવારે વહેલી સવારે ગોમતીનગર ચેકપોઇન્ટની અવગણના કરતા લખનઉના કોન્સ્ટેબલ દ્વારા એપલના મેનેજરની ગોળી મારી હત્યાના કેસમાં ઉત્તરપ્રદેશ સરકારે તપાસના આદેશ આપ્યા છે. યોગી આદિત્યનાથે સ્પષ્ટતા કરી હતી કે, આ કોઇ એન્કાન્ટર ન હતું પણ જરૂર પડશે તો આ કેસમાં સીબીઆઇ તપાસની માગ કરીશું. આદિત્યનાથે નિવેદનમાં કહ્યું હતું કે, લખનઉની ઘટના એન્કાઉન્ટર ન હતી. અમે આ કેસની તપાસ કરાવીશું. આરોપીઓને કાઢી મુક્યા છે. અમે સીબીઆઇ તપાસ કરાવીશું. કેસની તપાસ માટે એસપીની અધ્યક્ષતામાં એસઆઇટીની રચના કરાઇ છે. આરોપી કોન્સ્ટેબલો પ્રશાંત ચૌધરી અને સંદીપની ઓળખ કરી લેવામાં આવી છે.

આ યુપી છે કોઈ જમ્મુ-કાશ્મીર નથી કે જ્યાં તમે માત્ર શંકાથી કોઇને પણ મારી નાંખો છો : મૃતક એપલ અધિકારીના સગા

(એજન્સી) લખનઉ, તા. ૨૯
એપલના અધિકારી વિવેક તિવારીની લખનઉમાં શુક્રવારે રાત્રે યુપી પોલીસના એક કોન્સ્ટેબલ દ્વારા ગોળીમારીને કરાયેલી બિહામણી હત્યા અંગે તિવારીના સગાવાળાઓએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. વિવેક તિવારીની પત્ની કલ્પના તિવારીએ શનિવારે જણાવ્યું કે તેમના પતિની હત્યાથી પરિવાર ભારે આઘાતમાં છે. તેમના પરિવારે ઘણી આશાઓ સાથે ભાજપ માટે મતદાન કર્યું હતું. કલ્પનાએ જણાવ્યું કે યોગી આદિત્યનાથે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે તેઓ બહુ ખુશ હતા. યોગી આદિત્યનાથે તેમના ઘરે તેમની મુલાકાત નહીં કરે ત્યાં સુધી વિવેક તિવારીના અંતિમ સંસ્કાર કરવાનો પરિવારે ઇનકાર કર્યો છે. જ્યારે વિવેક તિવારીના સાળા વિષ્ણુએ પણ હત્યા ગણાવીને મૃતક માટે ન્યાયની માગણી કરી છે. વિષ્ણુએ કહ્યું કે રાજ્યમાં બહેતર કાયદો અને વ્યવસ્થા માટે અમે મોદીજી અને યોગીજીને ચૂંટી કાઢ્યા છે. મારા બનેવીની હત્યા થઇ છે અને તેઓ તેમની સામે વાહિયાત આક્ષેપો કરી રહ્યા છે. જો તેમણે કંઇક ખોટું કર્યું હોય તોપણ એક નાગરિકની હત્યા કરવાનો પોલીસને કોણે અધિકાર આપ્યો છે ? શું આ જમ્મુ-કાશ્મીર છે કે માત્ર શંકા પર તમે કોઇની પણ હત્યા કરી શકો છો ? આ ઉત્તર પ્રદેશ છે અને જમ્મુ-કાશ્મીર નથી.

લખનૌમાં હત્યા : એપલના અધિકારીની વિધવાએ સીબીઆઇ તપાસ, એક કરોડ રૂપિયાનું વળતર, પોલીસ વિભાગમાં નોકરીની માગ કરી

(એજન્સી) લખનઉ, તા. ૨૯
ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા શુક્રવારે રાત્રે ઠાર મારવામાં આવેલા એપલના અધિકારીની પત્નીએ રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પાસે આ ઘટનાની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની માગણી કરી છે. વિવેક તિવારીની પત્ની કલ્પના તિવારીએ એક કરોડ રૂપિયાનું વળતર અને રાજ્યના પોલીસ વિભાગમાં નોકરી આપવાની પણ માગણી કરી છે. જ્યારે યોગી આદિત્યનાથે શનિવારે જણાવ્યું કે લખનઉમાં એપલના અધિકારીની પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કરાયેલી હત્યાનો કેસ સીબીઆઇને સોંપવા માટે તેમની સરકાર તૈયાર છે. તેમણે એવું પણ કહ્યું કે આ ઘટના એન્કાઉન્ટર નથી.