(એજન્સી) તા.૧
બાબા રામદેવે પોતાની મેસેજીંગ એપ્લિકેશન કિંભો નામથી શરૂ કરી એના કલાકોમાં જ ફ્રાન્સના સાયબર સુરક્ષા નિષ્ણાંત એલિસોટ એલ્ડરસને પતંજલિના ‘એપ’ને ‘મજાક’ ગણાવી. એમણે કહ્યું કે એપમાં સુરક્ષાની ખૂબ જ ખામીઓ છે. એલ્ડરસને લખ્યું નવી એપ્લિકેશન શરૂ કરતા પહેલાં નિષ્ણાંતથી સલાહ લેવી અનિવાર્ય છે જે તમોએ નથી લીધી. સુરક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ ઊણી ઉતરી છે. હું બધા જ મેસેજોની વિગતો લઈ તમને આપી શકું છું. એમણે વધુમાં કહ્યું કે કિંભો ઓરિજિનલ એપ નથી. આ એપ ‘બોલો’ એપ દ્વારા કોપી પોસ્ટ કરી મૂકી દીધી છે. એની વિગતો અને સ્ક્રીટશોર્ટ પણ સરખા છે. અન્ય એક યુઝર અભિષેકસિંઘે લખ્યું છે કે પતંજલિના કિંભો અને બોલોમાં અતિશય સમાનતા છે. એપ બનાવનારા એટલા મૂર્ખાઓ છે કે, એમણે ઓટીપી અને એસએમએસ ફોર્મેટ પણ નથી બદલ્યું. બધુ જ ‘બોલો’ની જેમ છે. આ પ્રકારની ટિપ્પણીઓ થયા પછી પતંજલિએ જણાવ્યું કે, અમે હાલ પૂરતી કિંભો એપ પાછી ખેંચી રહ્યા છીએ. શરૂ કરાતા જ ટ્રાફિક વધી જવાથી અમને બેંક કરવાની ફરજ પડી છે. સર્વર સુધારીને અમે ફરી રજૂ કરીશું. રામદેવનો ઉદ્દેશ્ય વોટ્‌સએપની હરીફાઈમાં ઊભા રહી ભારતમાં એપ શરૂ કરવાનો હતો. પણ શરૂ કરતાં જ પકડાઈ ગયા છે. બીજી એક મોટી ભૂલ એ કરી છે કે એપમાં જે ફોટો મૂકાયો છે એ પાકિસ્તાની અભિનેત્રી મારવાનો છે અને નીચે લખ્યું છે ‘અબ ભારત બોલેગા’.