મુંબઈ,તા.૧
હાલમાં પૂર્ણ થયેલ આઇપીએલ સીઝન દરમિયાન સટ્ટાબાજીના આરોપમાં એક બુકીની ધરપકડ બાદ ઠાણે પોલીસે ફિલ્મ અભિનેતા અરબાઝ ખાનને સમન્સ મોકલ્યું છે. પોલીસે બાંદ્રા સ્થિત અરબાઝના ઘરે શુક્રવારની સવારે સમન્સ મોકલીને પૂંછપરછ માટે હાજર રહેવા માટે કહ્યું છે. શરૂઆતી તપાસમાં પોલીસને એવા પણ સંકેત મળ્યા છે કે, અરબાઝ ખાન સટ્ટાબાજ સોનૂ જાલાન ઉર્ફ સોનૂ મલાડના સટ્ટાકાંડના રેકેટમાં સંપર્કમાં હતો અને ભારે દાવ પણ લગાવ્યો હતો. તમને જણાવી દઇએ કે, અરબાઝ ખાન પ્રખ્યાત અભિનેતા સલમાન ખાનનો ભાઇ છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, અરબાઝ ખાને આઇપીએલ મેચો દરમિયાન સટ્ટો લગાવ્યો હતો અને ૨.૮ કરોડ રૂપિયા હારી ગયો હતો. અરબાઝ ખાને આ રૂપિયાને ભરવામાં આનાકાની પણ કરી હતી, જેના પછી સોનૂ જાલાન તરફથી તેને ધમકીઓ પણ મળી હતી. સોનૂ મલાડની ધરપકડ કરી લેવામા આવી છે. તમને જણાવી દઇએ કે, કુખ્યાત બૂકી સોનૂ જાલાનનું નામ વર્ષ ૨૦૧૨ના આઇપીએલ ફિક્સિંગમાં પણ આવ્યુ હતું. ગત મહિને ૧૬ મેંના રોજ ક્રાઇમ બ્રાંચે ડોબિંવલીમાં સટ્ટાકાંડનો ભાંડાફોડ કરતા ૩ સટ્ટેબાજોની દરપકડ કરી હતી. બાદમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી. ૪૧ વર્ષિય સોનૂ જાલાન આંતરરાષ્ટ્રીય સ્તરે સટ્ટાબાજીનું રેકેટ ચલાવે છે.