નવી દિલ્હી,તા. ૧
તાજેતરમાં જ પૂર્ણ થયેલી ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની સિઝન દરમિયાન સટ્ટાબાજીના આરોપમાં એક બુકીની ધરપકડ કરવામાં આવ્યા બાદ થાણે પોલીસે ફિલ્મ અભિનેતા, નિર્દેશક અને નિર્માતા અરબાઝ ખાન સામે પણ સમન્સ જારી કર્યું છે. આઈપીએલમાં સટ્ટા મામલામાં તપાસના સંદર્ભમાં પુછપરછ કરવા માટે અરબાઝ ખાન સામે સમન્સ જારી કરવામાં આવ્યું છે. હાઇપ્રોફાઇલ બુકી સોનુ જાલનની તપાસ દરમિયાન અરબાઝ ખાનનું નામ સપાટી ઉપર આવ્યું હતું. થાણે ક્રાઈમ બ્રાંચની એન્ટી એક્સટોર્સન સેલ દ્વારા તેનું નિવેદન નોંધવા માટે અરબાઝને કહેવામાં આવ્યું છે. બુકી મારફતે આઈપીએલની સિઝન ૧૧ દરમિયાન મેચો ઉપર નાણાં લગાવવા બદલ અરબાઝ સામે સમન્સ જારી કરવામાં આવ્યો છે. તમામ લોકો જાણે છે કે, ૫૦ વર્ષીય અરબાઝ ખાન બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનનો ભાઈ છે. એન્ટી એક્સટોર્શન સેલના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રદિપ શર્માએ કહ્યું છે કે, સટ્ટાબાજીમાં તેની ભૂમિકાની ખાતરી કરવા માટે સમન્સ જારી કરવામાં આવ્યું છે. અરબાઝ ખાનનું નિવેદન નોંધવામાં આવ્યા બાદ જ વધુ વિગતો જાણી શકાશે. અરબાઝ ખાન આઈપીએલ મેચો ઉપર સટ્ટો લગાવી રહ્યો હતો અને સટ્ટામાં ૨.૮ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. ત્યારબાદ તેને જાલન તરફથી ધમકી મળી રહી હતી. અરબાઝ ખાનના પિતા સલીમ ખાનનો સંપર્ક કરવામાં આવતા તેઓએ આ મુદ્દે વાત કરવાનો ઇન્કાર કર્યો હતો. ૧૬મી મેના દિવસે થાણે ક્રાઈમ બ્રાંચની એન્ટી એક્સટોર્શન સેલની ટીમે ડોમ્બીવલીમાં એક બિલ્ડિંગ પર દરોડા પાડ્યા હતા. આ બિલ્ડિંગમાં આઈપીએલ બેટિંગના સટ્ટા ચાલી રહ્યા હતા. તે વખતે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આગલા દિવસોમાં વધુ બે લોકો પકડાયા હતા. ૪૧ વર્ષીય જાલનને પણ કલ્યાણ સેશન કોર્ટ પ્રાંગણમાંથી પકડી લેવાયો હતો. જ્યાં તે તેના પાર્ટનરોને મળવા માટે પહોંચ્યો હતો. જેમને મંગળવારના દિવસે કોર્ટમાં રજૂ કરાયા હતા. સટ્ટાની દુનિયામાં જાલનને સોનું મલાડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સટ્ટાબાજીના કારોબારમાં તે મુખ્ય વ્યક્તિ તરીકે હોવાનું જાણવા મળી રહ્યું છે. અનેક દેશોમાં આ નેટવર્ક ફેલાયેલું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદિપ શર્માએ કહ્યું છે કે, તેનો વાર્ષિક ટર્નઓવરનો આંકડો ૧૦૦ કરોડની આસપાસનો છે. મુંબઈનો નિવાસી જાલન ઓનલાઈન પોર્ટલના પાર્ટનર તરીકે છે જે આઈપીએલની સિઝન દરમિયાન સક્રિય હતું. પોલીસનું કહેવું છે કે, તેમની ધરપકડથી અનેક નવા બુકીઓના નામ ખુલી શકે છે.