(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૯
દારૂલ ઉલૂમ શેખ અહમદ ખટ્ટુ અહમદાબાદ અને નેશનલ કાઉન્સિલ ફોર પ્રોમોશન ઓફ ઉર્દૂ લેંગ્વેજ મિનિસ્ટ્રી ઓફ એચઆરડી નવી દિલ્હી દ્વારા દારૂલ ઉલૂમ શેખ અહમદ ખટ્ટુ ખાતે “અરબી ઝબાન ઓ અદબ કે ફરોગ મેં ઉલમાએ હિંદ કી ખિદમત” વિશે એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં અહમદાબાદની શાહી જામા મસ્જિદના ખતીબો ઈમામ મુફ્તી શબ્બીર અહમદ સિદ્દીકી, દારૂલ ઉલૂમ શેખ અહમદ ખટ્ટુના વાઈસ પ્રિન્સિપાલ મુફ્તી મુહમ્મદ ફારૂક-એ-આઝમ શમ્સી, પીર મુહમ્મદશાહ લાયબ્રેરીના ડાયરેક્ટર પ્રો.મોહિયુદ્દીન બોમ્બેવાલા, નિવૃત્ત જજ પીરઝાદા શમ્સુદ્દીન, પૂર્વ આઈપીએસ મકબૂલ અહમદ અનારવાલા, સરખેજ રોઝા કમિટી અને દારૂલ ઉલૂમ શેખ અહમદ ખટ્ટુના ચેરમેન અબરાર અલી સૈયદ અને દારૂલ ઉલૂમના શૈખુલ હદીસ મુફ્તી અબ્દુલ કુદ્દુસ મિસ્બાહી, ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમીના સભ્ય ઝૈનુલ આબેદીન અન્સારી સહિત મોટી સંખ્યામાં મહેમાનો, આમંત્રિતો, ઓલમા એ કિરામ તથા દારૂલ ઉલૂમના તાલીબે ઈલ્મો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં દેશભરમાં અરબી અને ઉર્દૂ ભાષાના બહોળા પ્રચાર અને ખુસાર પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત વક્તાઓનો એક સૂર એ હતો કે, સમગ્ર વિશ્વની તમામ ભાષાઓમાં અરબી ભાષા સર્વશ્રેષ્ઠ છે. દેશમાં હાલ અરબી ભાષા માત્ર ઉલ્માઓ સુધી જ સિમિત રહી ગઈ છે. આથી સામાન્ય પ્રજા આ ભાષાનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકે, તે માટે અરબી ભાષાના ખાસ વર્ગો શરૂ કરવાનું આહ્‌વાન કરવામાં આવ્યું હતું. મુસલમાનોના એક હાથમાં કુર્આન અને બીજા હાથમાં લેપટોપ હશે તો દીન અને દુન્યવી તાલીમનો સમન્વય કરી પ્રગતિના શિખરો સર કરી શકીશું.