પાટણ, તા. ર૪
પાટણ નગરપાલિકાની બાંધકામ અને વોટર વર્કસ શાખામાં છેલ્લા રપ વર્ષથી રોજમદાર કર્મચારી તરીકે કામ કરી રહેલા ૩૩ રોજમદાર કર્મચારીઓ પોતાને કાયમી કરવાની તેમજ અન્ય પડતર માગણીઓને લઈને છેલ્લા ર૩ દિવસથી નગપાલિકા પરિસરમાં પ્રતીક ધરણા ઉપર ઉતરી નગપાલિકા સામે લડત તલાવી રહ્યા છે ત્યારે ર૩ દિવસ વીતવા છતાં રોજમદાર કર્મચારીઓને કોઈ ન્યાય ન મળતા આજે ર૪માં દિવસે નગરપાલિકામાં નવા મહિલા પ્રમુખ માટેની ચૂંટણી થવાની હોઈ તે પૂર્વે જ રોજમદાર ૩૩ કર્મચારીઓ અર્ધનગ્ન શરીરે રેલી યોજી નગરપાલિકા કેમ્પસ ખાતે આવી પહોંચ્યા હતા અને પાલિકા પરિસરમાં ચીફ ઓફિસર અને પાલિકાના કર્મચારી યુનિયનના પ્રમુખ વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર પોકારી તેમના છાજિયા લઈ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને પોતાના ધરણા યથાવત રાખ્યા હતા અને જ્યાં સુધી તેઓને કાયમીના લાભ નહીં મળે ત્યાં સુધી આ જ રીતે ધરણા પર બેસી રહેવાનો મક્કમ નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં તેઓને ન્યાય નહીં મળે તો આક્રમક આંદોલન કરવાની પણ ચીમકી રોજમદાર કામદારોએ આપી હતી.