(એજન્સી) અંકારા, તા.૧
સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યાના એક દિવસ બાદ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગને જણાવ્યું કે ‘ફ્રેન્ડલી સિસ્ટર નેશન (મિત્ર રાષ્ટ્ર)’ પાકિસ્તાન માટે યુદ્ધપોત બનાવવાનું તુર્કીએ ચાલુ કરી દીધું હોવા છતાં તેઓ કાશ્મીર મુદ્દો વિશ્વ મંચ પર ઉઠાવવાનું ચાલુ રાખશે. એક સમાંરભને સંબોધતા એર્દોગને જણાવ્યું કે વિશ્વે કાશ્મીરની પીડા જાણવી જોઇએ. તેમણે કાશ્મીરની પરિસ્થિતિની પેલેસ્ટાઇન સાથે સરખામણી કરી છે અને ઉમેર્યું કે ૮૦ લાખથી વધુ કાશ્મીરીઓ તેમના પ્રદેશની ખુલ્લી જેલમાં ભારતીય અત્યાચારોનો બહાદુરીથી સામનો કરી રહ્યા છે. એર્દોગને એવી જાહેરાત કરી કે તેઓ કાશ્મીરના લોકોની પીડાઓ અને કાશ્મીર મુદ્દાને ઉઠાવવાનું ચાલુ રાખશે. તેમણે તુર્કી અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને ઉદાહરણરૂપ ગણાવ્યા છે અને જણાવ્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે ભારે સહયોગની સંભાવના છે. તુર્કી નેવીના એક કાર્યક્રમમાં એર્દોગને જણાવ્યું કે તુર્કીએ પાકિસ્તાનને વેચવામાં આવનાર યુદ્ધ જહાજ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. એક અહેવાલ મુજબ ૨૦૧૮માં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમણે એવી પણ જાહેરાત કરી કે હું આશા રાખું છું કે તુર્કી તરફથી પાકિસ્તાનને આપવામાં આવનાર યુદ્ધજહાજ મિલગેમથી પાકિસ્તાન લાભ ઉઠાવશે. બે યુદ્ધ જહાજ તુર્કીમાં બનાવવામાં આવશે અને બાકીના બે યુદ્ધ જહાજ ટેકનોલોજી ટ્રાન્સફર કરીને પાકિસ્તાનમાં બનાવવામાં અવાશે. ૯૯ મીટર લાંબા યુદ્ધ જહાજ મિલગેમનું વજન ૨૪૦૦ ટન હશે અને આ જહાજની સ્પીડ ૨૯ નોટિકલ માઇલ્સની હશે.
કાશ્મીર મુદ્દો વિશ્વ મંચ પર ઉઠાવવાનું ચાલુ રહેશે : અર્દોગન

Recent Comments