(સંવાદદાતા દ્વારા)
વડોદરા તા.૨૨,
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર ખાતે આવેલી અખનુર ચેક પોસ્ટ પર બોર્ડર પર થયેલા ફાયરીંગમાં વડોદરા મૂળના આર્મી જવાન આરીફખાન પઠાણને ગોળી વાગતા દેશની રક્ષા કાજે શહીદી વ્હોરી લીધી હતી. બોર્ડર પાસે આતંકવાદીઓ સાથે થયેલ ગોળીબારમાં આરીફ શહીદ થયો હોવાનું જાણવા મળ્યું છે. શહીદ આરીફ પઠાણની મોતનાં સમાચાર મળતાં તેના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરી છેલ્લાં ત્રણ દિવસથી જમ્મુ-કાશ્મીરની સરહદ પર ફાયરીંગ કરવામાં આવી રહ્યું હોવાથી સરહદ પર વાતાવરણ તંગ છે. ત્યારે સોમવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી જીલ્લાનાં અખનુર ચેક પોસ્ટ પર બોર્ડર પાસે ગોળીબાર થયો હતો. પાકિસ્તાન દ્વારા સુંદરબની સેકટરના ગામો અને ભારતીય ચેક પોસ્ટને ટાર્ગેટ બનાવી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્યારે વડોદરાના નવાયાર્ડ વિસ્તારનાં રોશનનગરનાં રોશન પાર્કમાં રહેતો અને જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટીંગ ધરાવતો ૨૪ વર્ષીય આર્મી જવાન પઠાણ આરીફખાન શફીઆલમ પણ ત્યાંજ ફરજ બજાવી રહ્યો હતો. આર્મીમાં બેસ્ટ શૂટર તરીકે ફરજ બજાવી રહેલા આરીફ પઠાણ તથા તેના સાથી જવાનોએ પણ ગોળીબારનો વળતો જવાબ આપી લડાઇ શરૂ કરી હતી. સામ સામે ગોળીબારમાં આરીફને છાતીનાં ભાગે ગોળી વાગતાં તે ઢળી પડ્યો હતો. સાથી જવાનો તાત્કાલીક આરીફને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તબીબોએ આરીફ પઠાણને મૃત જાહેર કર્યો હતો.
આરીફ પઠાણ શહીદ થયા હોવાના સમાચાર નવાયાર્ડ રોશનનગર ખાતે રહેતા તેના પરિવારને મળતા તેના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. તો બીજી તરફ દેશની રક્ષા કાજે પોતાનો પુત્ર શહીદ થયો હોવાથી પરિવારે ગર્વની લાગણી પણ વ્યકત કરી હતી.
આ લખાય છે ત્યાં સુધી આર્મી તરફથી હજુ સુધી આરીફ પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં કે આતંકવાદીઓ સાથે થયેલ મુઠભેડમાં શહીદ થયો છે તે અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તેમ આરીફનાં પરિવારજનોએ જણાવ્યું હતું. મંગળવારે બપોરે ૩થી પ દરમ્યાન દિલ્હીથી વડોદરા શહીદ આરીફખાનનો મૃતદેહ લવાશે બાદમાં સૈન્ય દ્વારા સલામી આપી પરેડ કરાશે જ્યારે રાત્રે ઈશાની નમાઝ બાદ નવાયાર્ડ રોડ રોશનનગરથી ગોરવા બ્રિજ પાસે ડી કેબિન કબ્રસ્તાનમાં શહીદ આરીફખાનની દફનવિધિ કરવામાં આવશે.

ભાઈની શહીદી પર નાના ભાઈ
આરિફખાનને ગર્વ : વહેલી તકે સેનામાં જોડાશે

સેનામાં જોડાઈ ભાઈના મોતનો બદલો લેવાની ખ્વાઈશ

વડોદરા, તા.૨૨
જમ્મુ-કાશ્મીરમાં ગોળીબારમાં શહીદી વ્હોરી લેનાર આરીફખાન પઠાણનના પિતા વડોદરા ડિવિઝનમાં રેલવેમાં નોકરી કરે છે. પોતાના અન્ય ત્રણ ભાઇઓ તથા બે બહેનોનું આરીફ હંમેશા ધ્યાન રાખતો હતો. આરીફનો નાનો ભાઇ આસીફખાન પઠાણ પણ હાલ સેનામાં જવા માટેની તૈયારીઓ કરી રહ્યો છે. ભાઇની શહીદી પર ગર્વ હોવાનું જણાવી આસીફે પોતે પણ હવે વહેલી તકે સેનામાં જોડાઇ દેશ માટે પોતાની સેવા આપવાની ઇચ્છા વ્યકત કરી છે. લશ્કરમાં જોડાઇ પોતાના ભાઇનો બદલો લેવાનું જણાવ્યું હતું.

૨૪ વર્ષીય આરીફ અપરણિત હતો. જેથી તેની માટે તેને હંમેશા લગ્ન કરી લેવા માટે કહેતી હતી. પરંતુ સામે આરીફ મેરા સારા જીવન દેશ પર કુર્બાન હૈ….. મેં શાદી નહીં કરૂગા…. તેમ કહેતો હતો.
શહીદી પૂર્વે આરિફ પઠાણે માતા સાથે ફોન પર વાત કરી

વડોદરા, તા.૨૨
નવાયાર્ડ રોશનનગરમાં રહેતો ૨૪ વર્ષીય આરીફ પઠાણ છેલ્લાં ત્રણ વર્ષથી જમ્મુ-કાશ્મીરના અખનુર ખાતે ફરજ બજાવતો હતો. શહીદી પૂર્વે આરીફ પઠાણે રવિવારે પોતાની માતા સાથે ફોન પર વાત કરી હતી. શહીદ આરીફના ભાઇ અશરફખાન પઠાણે જણાવ્યું હતું કે, આરીફ હંમેશા ફોન પર ખુશમીજાજ રહેતો હતો તથા દર બે દિવસે ફોન કરી તથા વિડીયો કોલ કરી પોતાની માતા તથા ભાઈ-બહેનો સાથે વાતચીત કરતો હતો. આરીફ ફોન પર પોતે ખેરીયત હોવાનું જણાવી કઇ જગ્યાએ બોર્ડર પાસે પોસ્ટીંગ છે તે પણ જણાવતો ન હતો કે, પરિવારજનો તેની ફીકર કરશે તેમ શહીદ આરીફના ભાઇ અશરફખાને જણાવ્યું હતું.

આરિફખાન શહીદ થયાની જાણ થતાં

અનેક રાજકીય, સામાજિક તથા ધાર્મિક અગ્રણીઓએ પરિવારજનોને સાંત્વના પાઠવી
ઉધમપુર પાસે અખનુર ચેકપોસ્ટ પર વડોદરાનો આર્મી જવાન આરીફખાન શહીદ થયાની જાણ થતાં વિસ્તારના રહીશો, રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ તેના નિવાસસ્થાને દોડી ગયા હતા અને પરિવારજનોને આશ્વાસન આપી દિલસોજી પાઠવી હતી.
આરીફખાનની શહીદીની જાણ થતાં વડોદરા મનપાના મેયર જીગીસાબેને શહીદ જવાન આરીફખાનના ઘરે જઈ તેના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધપક્ષ કોંગ્રેસના નેતા ચંદ્રકાંત ભથ્થુ, ગુજરાત કોંગ્રેસના માઈનોરીટી ડિપાર્ટમેન્ટના વાઈસ ચેરમેન ચિરાગ શેખ, નરેન્દ્ર રાવત, કોર્પોરેટર જહાં ભરવાડ સહિત અનેક રાજકીય અગ્રણીઓ, મહાનુભાવોએ પરિવારજનોને દિલાસો આપી સાંત્વના પાઠવી હતી.