(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને હિન્દુસ્તાનની આત્મા પર થયેલા હુમલા સમાન ગણાવતા શુક્રવારે કહ્યું કે તેમનો પક્ષ અને તમામ વિપક્ષ આ સમયે સરકાર તેમજ પોતાના સુરક્ષા દળોની સાથે ઊભા છે. બીજી તરફ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે આતંકી હુમલાની નિંદા કરતાં કહ્યું કે સમગ્ર દેશ જવાનોની સાથે છે અને આતંકવાદ સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરી શકાય.
પૂર્વ પી.એમ. મનમોહનસિંહે દિલ્હીમાં કોંગ્રેસના મુખ્ય મથકમાં સંવાદદાતાઓને જણાવ્યું કે આજે શોકનો દિવસ છે. આપણા દેશે લગભગ ૪૦ જવાનોને ગુમાવી દીધા છે. અમે શહીદ જવાનોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરીએ છીએ અને અમે તેમની સાથે છીએ. તેમણે વધુમાં કહ્યું કે અમે આતંકવાદ સાથે ક્યારેય સમાધાન કરીશું નહી. આપણે આતંકવાદની સમસ્યાનો સામનો કરવા માટે એકજૂટ થઈને કામ કરીશું. આજે જટિલ મુદ્દાઓને ઉઠાવવાનો દિવસ નથી. અમે માત્ર જવાનો સાથે એકજૂટતા દર્શાવવા ઈચ્છીએ છીએ. આ દેશને એકજૂટ રાખવા માટે અમે શક્ય તેટલા પ્રયત્નો કરીશું.
મનમોહન સાથે પત્રકાર પરિષદમાં સામેલ રાહુલ ગાંધીએ કહ્યું કે આ ખૂબ જ ભયાવહ દુર્ઘટના છે. આતંકવાદનું લક્ષ્ય આપણા દેશનો વિનાશ કરવાનો અને તેના ભાગલા પાડવાનો છે. પરંતુ હું એ બાબત સ્પષ્ટપણે કહેવા ઈચ્છું છું કે આ દેશનો કોઈપણ શક્તિ વિનાશ નહીં કરી શકે અને ન તો તેના ભાગલા પાડી શકશે. તમામ વિપક્ષ પોતાના સુરક્ષા દળો અને સરકારની સાથે ઊભા છે. આ હુમલો એ હિન્દુસ્તાનની આત્મા પર થયેલો હુમલો છે. જે લોકોએ આ દુર્ઘટનાને અંજામ આપ્યો છે. તેઓને જાણ હોવી જોઈએ કે, આ દેશ આવા પ્રકારના હુમલાઓને ભૂલતો નથી.
બીજી તરફ રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે, આખો દેશ શોકમગ્ન છે. આ હુમલો કોઈ એક વ્યક્તિ કે સુરક્ષા દળો પર નહીં પરંતુ સમગ્ર દેશ પર કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર લોકો રાહુલ ગાંધી અને મનમોહનસિંહના નિવેદનોના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. લોકોએ કહ્યું છે કે આ બંનેએ ભાજપા અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રિયમંત્રી પિયુષ ગોયલ અને સાંસદ મનોજ તિવારી સહિત ભાજપના ઘણાં નેતાઓને અરીસો બતાવવાનું કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે પુલવામાની ઘટનાની જાણકારી મળ્યા બાદ કોંગ્રેસે ઉત્તરપ્રદેશમાં પોતાનો એક રાજકીય કાર્યક્રમ રદ કરી દીધો છે, તો બીજી તરફ ભાજપા અધ્યક્ષ અમિત શાહ કર્ણાટકમાં ચૂંટણીસભાનું સંબોધન કરતાં જોવા મળ્યા. ઉપરાંત, દિલ્હીના ભાજપા અધ્યક્ષ મનોજ તિવારી પણ પ્રયાગરાજમાં સંગીતના એક કાર્યક્રમમાં લોકોનું મનોરંજન કરતાં જોવા મળ્યા. એ પણ ત્યારે કે જ્યારે સમગ્ર વિશ્વ આ હુમલા બાદ રોષે ભરાયું હતું. બીજી તરફ ઘટના બાદ પણ કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ તામિલનાડુમાં એઆઈએડીએમકેના નેતાઓની સાથે લોકસભા ચૂંટણી માટે ગઠબંધન અંગે ચર્ચા કરી રહ્યા હતા.
સમાચાર મુજબ મનોજ તિવારી અને રવિકિશને પ્રયાગરાજમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેતાં સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યાં છે કે જ્યારે આખો દેશ શોકાતુર છે ત્યારે મનોજ તિવારી આ પ્રકારના કાર્યક્રમોમાં શા માટે ભાગ લઈ રહ્યાં છે ? તેમણે જવાનોના પરિજનો સાથે ઊભા રહેવું જોઈએ.
સોશિયલ મીડિયા પર લોકોએ ભાજપા અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ અને ભાજપ સાંસદ મનોજ તિવારીની એ બાબત અંગે ટીકા કરી છે કે, પુલવામામાં આતંકી હુમલામાં મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા હોવાની જાણકારી મળ્યા બાદ પણ આ નેતાઓએ પોતાના કાર્યક્રમો રદ ન કર્યા.
બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પુલવામાની ઘટનાની જાણકારી મળ્યા બાદ લખનૌમાં યોજાનાર પત્રકાર પરિષદને રદ કરી દીધી હતી. તેમણે કાર્યક્રમ સ્થળ પર બે મિનિટનું મૌન પાળીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી અને કહ્યું કે શહીદ જવાનોના પરિવારો પર આવી પડેલ દુઃખની ઘડીમાં સમગ્ર દેશ તેમની સાથે ઊભો છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ૧૪ ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ વિસ્ફોટકો ભરેલા વાહનથી સીઆરપીએફ જવાનોની બસને ટક્કર મારી હતી, જેમાં ઓછામાં ઓછા ૪ર જવાનો શહીદ થયા હતા, જ્યારે ઘણાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.