(એજન્સી) તા.૯
વર્ષ ર૦૦૩ના પરભણી મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ચારેય આરોપીઓને નિર્દોષ છોડી દેવાના ટ્રાયલ કોર્ટના ચુકાદા વિરૂદ્ધ મોહમ્મદિયા મસ્જિદના ઈમામે બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચ સમક્ષ અરજી દાખલ કરી છે. મોહમ્મદિયા મસ્જિદના ઈમામ અને આ કેસના વાસ્તવિક ફરિયાદી હાફિઝ અબ્દુલ કાદીરને કાયદાકીય મદદ પૂરી પાડતા જમિયત-એ-ઉલમા મહારાષ્ટ્રના કાયદા વિભાગના વડા હાફિઝ નદીમે કહ્યું હતું કે, હા પરભણી મસ્જિદ બ્લાસ્ટ કેસમાં બધા આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના ચુકાદાને પડકારતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. વકીલે જણાવ્યા મુજબ એવી આશા હતી કે આરોપીઓને નિર્દોષ છોડી દેવાના ચુકાદા વિરૂદ્ધ રાજ્ય સરકાર અપીલ કરશે પરંતુ દોઢ વર્ષ પછી પણ સરકારે ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અરજી કરી ન હતી. આથી આ કેસના વાસ્તવિક ફરિયાદી ઈમામે હવે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજકર્તાની દલીલ છે કે, ટ્રાયલ કોર્ટ આરોપીઓ વિરૂદ્ધના પુરાવાઓને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ૧૮ ઓગસ્ટ ર૦૧૬ના રોજ પરભણીની સેશન્સ કોર્ટે આ કેસના ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મૂકયા હતા. ર૧ નવેમ્બર ર૦૦૩ના દિવસે રહમતનગરમાં આવેલી મોહમ્મદિયા મસ્જિદ પર બે બોમ્બ ફેંકવામાં આવતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ૩પ લોકો ઘાયલ થયા હતા.