(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૭
અયોધ્યામાં બાબરી મસ્જિદના કેસમાં સુપ્રીમકોર્ટે આપેલા ચુકાદાની સમીક્ષા કરવા માટે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો હોવાની બુધવારે બોર્ડ તરફથી જાહેરાત કરવામાં આવી છે. પર્સલન લો-બોર્ડે જણાવ્યું કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં સુપ્રીમકોર્ટના ચુકાદાને પડકારવા માટે સમીક્ષા અરજી દાખલ કરવામાં આવશે. સુન્ની વકફ બોર્ડ દ્વારા સમીક્ષા અરજી દાખલ નહીં કરવાના લેવામાં આવેલા નિર્ણય પર પર્સલન લો બોર્ડે જણાવ્યું કે કાનૂની રીતે તેમના નિર્ણયથી સમીક્ષા અરજી દાખલ કરવાથી કોઇ અસર થશે નહીં. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે જણાવ્યું કે સમીક્ષા અરજી દાખલ કરવાના મુદ્દા અંગે બધા મુસ્લિમ સંગઠનો સર્વસંમત્ત છે. નોંધનીય છે કે, બાબરી મસ્જિદ કેસમાં મુસ્લિમ પક્ષકાર રહેલા ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડની મંગળવારે યોજાયેલી બેઠકમાં આ મુદ્દા અંગે સુપ્રીમકોર્ટ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા ચુકાદાને નહીં પડકારવાનો સર્વસંમત્તિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. સુપ્રીમકોર્ટ પર્સલન લો બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવનારી સમીક્ષા અરજી સ્વીકારે છે કે નહીં, એ બાબત જોવાની રહેશે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સચિવ અને વકીલ ઝફરયાબ જિલાનીએ ટિ્‌વટ કરીને જણાવ્યું કે બંધારણીય અધિકાર હેઠળ બાબરી મસ્જિદ મામલામાં સમીક્ષા અરજી દાખલ કરવામાં આવશે. સુન્ની વકફ બોર્ડની સમીક્ષા અરજી દાખલ કરવાથી કોઇ વિપરીત અસર પડશે નહીં.