(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
જસદણની પેટાચૂંટણીમાં મળેલી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં સિનિયર નેતાઓ અને યુવા નેતાઓ વચ્ચે પડેલી ખાઈ વધુ પહોળી થઈ છે. બુધવારે મોડી રાત્રે કોંગ્રેસના સિનિયર નેતાઓની પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે. આ નારાજ અને સાઈડલાઈન કરી દેવાયેલા નેતાઓ ટૂંક સમયમાં જ દિલ્હી જઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રજૂઆત કરશે. જો કે આ બેઠકથી અજાણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરિક લોકશાહી મજબૂત છે. તમામ આગેવાનોને મોકલાશથી કામગીરી કરવાની છૂટ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસના સિનિયર તેમજ નારાજ આગેવાનો અને ધારાસભ્યો ગતરાત્રે અર્જુન મોઢવાડિયાના નિવાસસ્થાને એકઠા થયા હતા. જેમાં દિનશા પટેલ, તુષાર ચૌધરી, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, સાગર રાયકા, અલ્પેશ ઠાકોર, ઈન્દ્રવિજય ગોહિલ સહિત ૧પથી વધુ આગેવાનોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં શું ચર્ચા થઈ તે બહાર આવ્યું નથી પરંતુ જાણવા મળ્યા મુજબ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સિનિયરોને અવગણતા હોવાથી આ પ્રેશર ટેકનિક અપનાવાઈ હોવાનું જણાય છે.
ગુજરાતમાં હાલમાં રાજીવ સાતવ લોકસભાની બેઠક માટે સેન્સ લઇ રહ્યાં છે. આ વર્ષે ગુજરાતની સ્થિતિ મજબૂત છે. ધાનાણી અને અમિત ચાવડા રાહુલ ગાંધીની ગુડબુકમાં છે. રાજીવ સાતવ પણ તેમની વાતને વધારે પ્રાધાન્ય આપી રહ્યાં છે. હવે આગામી દિવસોમાં લોકસભાની બેઠકો માટે સેન્સ સમયે જો ધાનાણી અને ચાવડાનું ચાલે તો આ નેતાઓના લોકસભા ચૂંટણી લડવાના કે તેમના માણસોને મૂકવાના અભરખાએ અભરખા જ રહી જાય તેવી સ્થિતિ હોવાથી અસંતુષ્ટ જૂથ સક્રિય થયું છે. રાહુલ ગાંધી સુધી આ મામલો પહોંચ્યો છે.
ગુજરાતમાં લોકસભાની ૧૦ બેઠકો પર હાલમાં કોંગ્રેસનો દબદબો છે. રાહુલે નવી પેઢીને પ્રાધાન્ય આપી જૂના નેતાઓને સાઇડલાઇન કરી દેતાં હાલમાં અસંતોષનો માહોલ ઉભો થયો છે. કોંગ્રેસમાં અમીત ચાવડા અને પરેશ ધાનાણી સાથે અલ્પેશ ઠાકોરને વિવાદ હોવાથી તેઓ પણ કોંગ્રેસથી નારાજ નેતાઓ સાથે જો઼ડાયા છે. જેને પગલે કોંગ્રેસે પણ ફૂંકી ફૂંકીને આગળની કાર્યવાહી કરવી પડશે. કોંગ્રેસ માટે આ સ્થિતિ થાળે પાડવી એ અતિ જરૂરી છે. કારણ કે લોકસભામાં આ નારાજગીની અસરથી જસદણવાળી ન થાય તે જોવું પડશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં શરૂ થયેલા કકળાટના પડઘા દિલ્હી હાઈકમાન્ડ સુધી પડ્યા છે અને હવે રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત માટે ક્યારે સમય આપે છે. તેના પર સૌની નજર છે. જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ગુજરાતના કોંગ્રેસના નેતાઓએ અલગ ચોકો કરીને બેઠક કરતા રાજકીય ગરમાવો સર્જાયો હતો. દિનશા પટેલે આ બેઠકની આગેવાની લીધી હોવાથી તેઓ તમામ નારાજ આગેવાનોને લઈ દિલ્હી જશે. જ્યાં દિલ્હી હાઈકમાન્ડ ઉપરાંત પ્રદેશ પ્રભારી રાજીવ સાતવને પણ રજૂઆત કરશે.