ડીસા, તા.૯
લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઇ ભટોળના ડીસા ખાતેના કાર્યાલયનું ઉદ્‌ઘાટન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અર્જુન મોઢવાડિયાના હસ્તે કરાયું હતું ત્યારબાદ ડીસામાં જાહેરસભાને સંબોધતા રાજીવ સાતવ અને અર્જુન મોઢવાડિયાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠામાં બંને પક્ષો દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે ત્યારે ડીસામાં આજે કોંગ્રેસ કાર્યાલયનું ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ઉદ્‌ઘાટન કરાયું હતું. આ પ્રસંગે યોજાયેલી જાહેરસભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે મોદી સરકારને જુમલેબાજ સરકાર ગણાવી હતી. ભાજપ દ્વારા ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં બહાર પડાયેલા ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન મુજબ સરકારે એક પણ વાયદો પૂરો કર્યો નથી. દેશના દરેક નાગરિકના ખાતામાં રૂપિયા ૧૫ લાખ આવશે તેમ કહી સમગ્ર દેશની પ્રજાને ગુમરાહ કરી સત્તા મેળવ્યા બાદ મોદી સરકાર ઉદ્યોગપતિઓની સરકાર બની ગઈ છે.મોદીએ તે સત્તામાં આવશે તો વિદેશમાંથી કાળું નાણું લાવવાની વાત કરી હતી. પરંતુ નિરવ મોદી વિજય માલ્યા સહિતના ઉદ્યોગપતિઓ દેશમાંથી સફેદ નાણાં લઈને ભાગી ગયા અને ચોકીદાર જોતા રહી ગયા તેમ જણાવી તેમણે આ જુમલેબાજ સરકારને ઉખેડી ફેંકવાની વાત કરી હતી. તેમજ જણાવ્યું હતું કે ભાજપ પાર્ટી ફક્ત બે લોકોની પાર્ટી છે પરંતુ કોંગ્રેસ પાર્ટી અનેક લોકોની પાર્ટી છે.
ડીસાની કોંગ્રેસની સભામાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ મોદીના અંધ ભક્તોની ઠેકડી ઉડાડી હતી. તેમણે જણાવ્યું હતું કે મજબૂત માણસ હોય તો તેની છાતી ૩૬ ઈંચની હોય જ્યારે પહેલવાનની છાતી ૪ર ઈંચની હોય પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે ૫૬ ઇંચની છાતીની વાત કરે છે ત્યારે ભક્ત તાળીઓ પાડે છે પરંતુ ૫૬ ઇંચની છાતી ગધેડાની હોય છે જ્યારે સો ઇંચની છાતી પાડાની હોય છે.
ડીસામાં યોજાયેલી કોંગ્રેસની સભામાં કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ,કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા તેમજ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા જ્યાં તમામ નેતાઓએ કોંગ્રેસને જંગી બહુમતીથી જીતડવાની અપીલ કરી હતી.