અમદાવાદા,તા.૮ : સતાપાર પાસે મગફળીના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ એ કોઈ પહેલી દુર્ઘટના નથી અત્યાર સુધીમાં આ પાંચમી દુર્ઘટના બની છે. જેના પગલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા અર્જુન મોઢવાડિયાએ  મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓને ષડયંત્ર ગણાવતા  આક્ષેપ કર્યો હતો કે મગફળીની ખરીદીમાં પ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.  કૌભાંડના આ નાણાનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં કર્યો છે.  મોઢવાડિયાએ કહ્યું હતું કે બહારના રાજયોની નબળી મગફળી ખરીદી કરવામાં આવી છે જયારે અહીના કાગળો પર જ મગફળી દર્શાવી ગુજરાતના ખેડૂતો પાસેથી મગફળી ખરીદીનો ડોળ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આ નાણાં વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવ્યા છે.  ગત વર્ષની મગફળીને પણ આ વર્ષની હરાજીમાં દર્શાવીને નવી ખરીદી દર્શાવવામાં આવી છે. આ  મામલે સીઆઈડી ક્રાઈમની તપાસ માત્ર દેખાડો જ છે. આરોપીઓને છાવરવા માટે સરકારે અપનાવેલી આ ટેકનિક માત્ર છે. આ મામલે હાઈકોર્ટના સીટિંગ જજ દ્વારા ન્યાયિક તપાસ કરાવવામાં આવે તેવી માગણી પણ   મોઢવાડિયા દ્વારા  કરવામાં આવી છે.