અમદાવાદ, તા.ર૪
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓને લઈને ચૂંટણીપંચે તૈયારીઓ કરી લીધી છે ત્યારે ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસમાં હલચલ મચી છે. ત્યારે પક્ષપલ્ટો કરનારા નેતાઓને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપનો હાથ પકડ્યા બાદ બંને નેતા પેટાચૂંટણીમાં ઝંપલાવશે તેવી અટકળો વહેતી થઈ છે. ત્યારે અલ્પેશ ઠાકોર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું હતું કે, અલ્પેશ કોંગ્રેસમાં હતો એટલે રાધનપુરની બેઠક પરથી જીત્યો હતો. ફરીથી હરાવવા માટે અમારી જરૂર નથી. પ્રજા અને ભાજપના નારાજ કાર્યકરો જ તેને જાકારો આપશે.
ગુજરાત વિધાનસભાની ૬ બેઠકોની પેટાચૂંટણીઓને લઇને ઢોલ- શરણાઇઓ વાગી ગયા છે. જેના કારણે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. અલ્પેશ ઠાકોરને લઇને કોંગ્રેસ પહેલાથી જ આકરા મૂડમાં દેખાઇ રહી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા ત્યારથી તેમના સમાજમાં કેટલાક લોકો નિરાશ થયા છે. અલ્પેશને લઇને જ્યારે ક્ષત્રિય સમાજમાં તડા પડેલા છે, ત્યારે ભાજપ અલ્પેશને લઇને શું ગેમ રમે છે તે જોવાનું રહ્યું.
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા બાદ ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો એવું જણાવી રહ્યા છે કે રાધનપુરની સીટ ભાજપ અલ્પેશ ઠાકોરને આપશે. ત્યારથી કોંગ્રેસ મહંદઅંશે ખુશ જણાઇ રહ્યું છે. અને તેના ભાગરૂપે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા મોઢવાડિયાએ એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાધનપુરની બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક છે, અને આ સીટ પરથી અમારો ઉમેદવાર ચોક્કસ જીતશે.
અલ્પેશને લઇને મોઢવાડિયાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, અલ્પેશ કોંગ્રેસમાં હતો, એટલે રાધનપુરની બેઠક પરથી જીત્યો હતો. પરંતુ હવે અમારે અલ્પેશને હરાવવા માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. અલ્પેશથી રાધનપુરના લોકો અને ભાજપના કાર્યકરો ખુબ જ નારાજ ચાલી રહ્યા છે. જેના કારણે ત્યાંની પ્રજા અને કાર્યકરો જ અલ્પેશને જાકારો આપશે.
મોઢવાડિયાને રાધનપુરની બેઠક પરથી તમારા ઉમેદવાર કોણ હશે, તેવો સવાલ કરતા તેમણે જણાવ્યું કે, ઉમેદવારની પસંદગી પ્રદેશ કોંગ્રેસ કરશે, પણ રાધનપુરની બેઠક અમે સો ટકા જીતીશું. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની બેઠકના ઉમેદવાર પ્રદેશ કોંગ્રેસ અને હાઇકમાન્ડ જે નક્કી કરશે તે પ્રમાણે રહેશે.