લંડન, તા.૬
દ.આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને મોટો ફટકો પડ્યો જ્યારે લંડનમાં નેટસમાં અર્જુન તેન્ડુલકરની બોલિંગમાં પ્રેક્ટિસ કરતા બેયરસ્ટ્રો ઈજાગ્રસ્ત થઈ ગયો. ડેઈલી મેલ અનુસાર અર્જુન ઈંગ્લેન્ડના બેટસમેનોને ટેસ્ટ પહેલા બેટિંગ પ્રેક્ટિસ કરાવી રહ્યો હતો ત્યારે જ અર્જુનનો એક યોર્કર બોલ વિકેટ કિપર બેટસમેન જોની બેયરસ્ટ્રોના પગમાં જઈને વાગ્યો ત્યારબાદ તે હુમલાના કારણે નેટ્‌સ છોડીને જતો રહ્યો. જો કે બેયરસ્ટ્રોેની ઈજા વધારે ગંભીર નથી અને તે પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમનો હિસ્સો હશે. આજથી ઈંગ્લેન્ડ અને દ.આફ્રિકા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની શરૂઆત થઈ રહી છે. સચિન તેન્ડુલકરનું લંડનમાં ઘર હોવાના કારણે જ અર્જુનને ઈંગ્લેન્ડની ટીમ સાથે પ્રેક્ટિસ કરવાની તક મળી છે અને તે ઈંગ્લેન્ડમાં પણ થોડા સમયથી પ્રેક્ટિસ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ ઈન્ટર ઝોનલ ટુર્નામેન્ટ માટે અર્જુનની અન્ડર-૧૬ વેસ્ટ ઝોનની ટીમમાં પસંંદગી થઈ હતી.