(એજન્સી) નવી દિલ્હી, તા.૬
પંજાબમાં કોંગ્રેસ પાર્ટી એકમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીના કમનસીબ રાજીનામા બાદ કોંગ્રેસને મજબૂતી આપવા માટે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ યુવા નેતાને આગળ લાવવાનું કહેશે. મુખ્યમંત્રીએ કોંગ્રેસ વર્કીંગ કમિટિને કહ્યું છે કે, તેઓ રાહુલ ગાંધીના સ્થાને એવા જાદુઇ યુવા નેતાને ઉતારો જે સમગ્ર ભારતના લોકો સાથે પકડ મજબૂત બનાવે અને પાયાના સ્તરે પોતાની હાજરી દર્શાવે. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસે પોતાની રેન્ક અને મહત્વમાં સુધારો કરવા માટે યુવા લોહીની જરૂર છે અને ફરીવાર ભારતને જે જોઇએ છે તે એકમાત્ર પસંદગી કરો. તેમણે કહ્યું કે, ભારતની સૌથી વધુ વસ્તી યુવા હોવાથી એક યુવા નેતા આ બાબતને સમજી શકશે અને લોકોની આકાંક્ષાઓ અને ઇચ્છાઓ જાણી શકશે. બીજી તરફ સૂત્રોએ જણાવ્યું છે કે, કોંગ્રેસ સુશીલ કુમાર શિંદે અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે કોઇની પસંદગી કરી શકે છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલ કુમાર શિંદે કોંગ્રેસ પ્રમુખના ઉમેદવારની રેસમાં સૌથી આગળ છે. તેઓ ૨૦૦૨માં પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ રહ્યા છે. બીજી તરફ ૭૬ વર્ષના મલ્લિકાર્જુન ખડગેએ તાજેતરની લોકસભા ચૂંટણીઓમાં દશકો લાંબા રાજકીય કાર્યકાળમાં પ્રથમવાર હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસની એક કરતા વધારે સરકારમાં તેઓ કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે. આ પહેલા રાહુલ ગાંધીએ એમ કહીને પાર્ટીનું અધ્યક્ષ પદ છોડ્યું હતું કે, પાર્ટી વહેલી તકે તેમના અનુગામીની શોધ કરી લે.