(એજન્સી) શ્રીનગર, તા. ૩
જમ્મુ અને કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી (જેએકેએલઆઇ) રેજિમેન્ટલ દ્વારા શ્રીનગરમાં યોજવામાં આવેલી ભરતી રેલીમાં સૈનિકની સામાન્ય ફરજ, ટ્રેડ્‌સમેન અને કલાર્ક તરીકે પોતાના નામની નોંધણી કરાવવા માટે સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાંથી ૧૪૦૦થી વધુ યુવકો ઉમટી પડ્યા હોવાનું એક નિવેદનમાં સૈન્યના એક પ્રવક્તાએ જણાવ્યું છે. પહેલી અને બીજી એપ્રિલે રંગરેટ ખાતે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરતી રેલીનો પ્રથમ દિવસ કાશ્મીર અને લેહ – લદાખ પ્રદેશના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવ્યો હતો. જ્યારે બીજો દિવસ જમ્મુ પ્રદેશના ઉમેદવારો માટે અનામત રખાયો હતો. રેલી દરમિયાન ૧૪૨૯ યુવાઓ ભારે ઉત્સાહ સાથે ભરતી રેલીમાં ભાગ લીધો હતો. પ્રવક્તાએ જણાવ્યું કે આશરે ૧૧૦૭ ઉમેદવારો શારિરીક તપાસમાં પાસ થયા હતા અને હવે તેમની વિસ્તૃત મેડિકલ તપાસ કરવામાં આવશે અને કોમન એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે. પ્રવક્તાએ એવું પણ કહ્યું કે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ અને આતુરતા જોઇને રેલી ભારે સફળ રહી હતી. ભારે સંખ્યામાં ઉમેદવારો સૈન્યમાં ભરતી થવા માટે ઉમટી પડ્યા હતા.