(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
સિવિલ હોસ્પિટલમાં બાળકોના મૃત્યુને લઈને કોંગ્રેસ દ્વારા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી હોવાના આરોપ સાથે ધાનાણીએ જણાવ્યું હતું કે, આરોગ્યનું વેપારીકરણ કરી નાખવામાં આવ્યું છે. ખાનગી ઉદ્યોગપતિઓને આરોગ્ય આપતાં દવાખાના આપી દેવામાં આવ્યાં છે. રાજ્યમાં ડોક્ટરની ઘટ છે તેમ છતાં સરકાર કંઈ કરતી નથી જેના કારણે બાળકોના મોત નીપજે છે. સરકારની આંખ ઉધાડવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ગુજરાત રાજયની સરકારી હોસ્પિટલોમાં બાળકોના મૃત્યુદરને લઇ કોગ્રેસે વિરોધ પ્રદર્શન કરી સરકાર પર આક્ષેપબાજી કરી વિવિધ હોસ્પિટલોમાં ધરણાં અને વિરોધના કાર્યક્રમો હાથ ધર્યા છે. બુધવારે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ધરણાં અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જયાં સુરત શહેર કોગ્રેસના પ્રમુખ, કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો સહિત મહિલાઓ મોટી સંયામાં જાડાઇ હતી. ભાજપની નીતિ અને બાળકોના મોત મામલે બેનરો સાથે કોગ્રેસે સુત્રોચ્ચાર કરી વિરોધ નોધાવ્યો હતો. કોંગ્રેસ ારા યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગી કાર્યકર્તાઓ દ્વારા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી રાજીનામા આપે તેવી માંગ કરવાની સાથે સાથે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાં હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યાં હતા. સરકારની નીતિઓ અને સરકાર સામે નારેબાજી કરતાં કોંગી કાર્યકરોએ બેનર અને કટઆઉટમાં સ્લોગન લખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન શહેર કોંગ્રેસના અધ્યક્ષ બાબુભાઈએ જણાવ્યું હતું કે, આરોગ્ય મંત્રીના હોમ ટાઉનમાં સિવિલ હોસ્પિટલમાં આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે. ૧૦૫૦ બાળકો સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં મોતને ભેટ્યાં છે તેમ છતાં સાચા આંકડા પ્રજા સુધી જાહેર કરવામાં આવતાં નથી. આરોગ્ય મંત્રી સહિતના તમામ સરકારે રાજીનામું આપીને પ્રજાની માફી માંગવી જોઈએ તેમ જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં યોજાયેલા દોઢેક કલાકના ધરણા પ્રદર્શનમાં ખૂબ પાંખી સંખ્યામાં સો દોઢસો જેટલા કોંગી કાર્યકરો દેખાયા હતાં. પરેશ ધાનાણીની હાજરી હોવા છતાં તેમના આવ્યા પછી મોટાભાગના કોર્પોરેટર આવ્યા હતા તો અમુક કોંગ્રેસી કોર્પોરેટર તો પરેશ ધાનાણીના જતાં રહ્યાં બાદ માત્ર હાજરી પુરાવવા આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
એબીવીપીનું નામ બદલી અખિલ ભારતીય ગુંડા પરિષદ કરી દેવું જોઈએ
રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં ધરણા કરીને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. સુરત ખાતે પરેશ ધાનાણી વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. મંગળવારે અમદાવાદમાં નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયાના કાર્યકરો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલડી પહોંચે તે પહેલા જ એ.બી.વી.પી.ના વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો. જેમાં એ.બી.વી.પી.ના કાર્યકરો લાકડીઓ, પાઈપો લઈ એન.એસ.યુ.આઇ.ના કાર્યકરો પર તૂટી પડતા ઘર્ષણ થયું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગીએ સુરતમાં જણાવ્યું હતું કે, જે રીતે એબીવીપી દ્વારા એનએસયુઆઈ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. તેને જોતા એબીવીપીનું નામ બદલીને અખિલ ભારતીય ગુંડા પરિષદ કરી દેવું જોઈએ. ત્યાગીએ અમદાવાથી લઈને જેએનયુમાં એનએસયુઆઈના કાર્યકરો પર થયેલા હુમલાની નિંદા કરતાં જણાવ્યું હતું કે, દેશમાં ગાંધીજીનું મહત્વ છે. ગાંધી અને સનાતનની પરંપરાવાળા દેશમાં ભાજપ અને આરએસએસનું કામ જોઈને તેના ડીએનએમાં કંઈક ખોટ હોય તેવું લાગી રહ્યું છે.