વડોદરા, તા.૧૬
ભાયલીની પ વર્ષની બાળકીને કેટલાક દિવસથી તાવ આવ્યા બાદ તબિયતમાં સુધારો ન થતાં તેને વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી જીએમઈઆરએસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જો કે, સારવાર દરમિયાન ર૮ જૂનના રોજ બાળકીનું મોત થયું હતું. શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસની શંકાને પગલે તબીબોએ તેના નમૂના પૂણેની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાં મોકલ્યા હતા. જેનો નમૂનો પોઝિટિવ આવતા વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
દાહોદ જિલ્લાના મુવાડા, ખંગેલા, વટેલા અને સુરપુર ગામમાં ૪ બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરમના લક્ષણોને પગલે આરોગ્ય વિભાગની ટીમો આ ગામોમાં દોડી ગઈ છે અને ચારેય ગામમાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બાળકોના રિપોર્ટ કરીને તપાસ માટે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાંદીપુરમ વાયરસને પગલે દાહોદ જિલ્લાના ૩૪ હજાર જેટલા કાચા ઘરોમાં ડસ્ટીંગ કરવામાં આવ્યું છે.
વડોદરા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ડૉ.ઉદય તિલાવલે જણાવ્યું હતું કે, ચાંદીપુરમ વાયરસ ૧૪ વર્ષ સુધીના બાળકોમાં ફેલાઈ શકે છે. ર૪થી ૭ર કલાકમાં ઝાડા-ઉલ્ટી અને તાવ આવે છે અને બાળક બેભાન પણ થઈ જાય છે. જો આ લક્ષણો બાળકોમાં દેખાય તો સરકારી હોસ્પિટલમાં તુરંત સારવાર લેવા માટે અમે લોકોને અપીલ કરીએ છીએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સેન્ડ ફ્લાય મકાનની તિરાડોમાં જોવા મળે છે. જેથી સાવચેતીના ભારરૂપે કાચા અને પાકા મકાનની તિરાડો પૂરી દેવી જોઈએ. આ ઉપરાંત બાળકને આખા કપડા પહેરાવવા પણ જરૂરી બની જાય છે અને રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. ચાંદીપુરમ માટે કોઈ રસી ઉપલબ્ધ ન હોવાથી તેના માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. અમે ભાયલી ગામમાં આસપાસ મેલેથિન પાઉડરના છંટકાવની કામગીરી હાથ ધરી છે.