મેલબર્ન,તા.૯
ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ વનડેની સીરિઝ રમવા ભારત પ્રવાસે આવવાની છે. પ્રથમ વનડે ૧૪ જાન્યુઆરીએ મુંબઈ, બીજી વનડે ૧૭ જાન્યુઆરીએ રાજકોટ અને અંતિમ વનડે ૧૯ જાન્યુઆરીએ બેંગ્લુરુમાં રમાશે. ટૂર માટે રવાના થતા પહેલા કેપ્ટન આરોન ફિન્ચે ગુરુવારે સિડનીમાં કહ્યું કે, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકામાં જ્યારે પણ રમીએ છીએ ત્યારે પોતાની ક્ષમતા પર શંકા થવા લાગે છે. ઓસ્ટ્રેલિયા ગયા વર્ષે ભારતને તેના ઘરઆંગણે ૫ વનડેની સીરિઝમાં ૩-૨થી હરાવ્યું હતું. પહેલી બે મેચ હાર્યા પછી કાંગારુંએ વાપસી કરતા સીરિઝ જીતી હતી. આ અંગે ફિન્ચે કહ્યું કે, તે અમને વિશ્વાસ આપે છે કે તે પરિસ્થિતિમાં અમારો ગેમ પ્લાન સારો હતો. સબકોન્ટિનેન્ટમાં રમવા માટે પહેલેથી ગેમ પ્લાન બનાવવો બહુ જરૂરી છે. ગઈ વખતના પ્રવાસથી અમને સારો આત્મવિશ્વાસ મળ્યો હતો.કિવિઝ સામેની ટેસ્ટમાં મેન ઓફ ધ સીરિઝ માર્નસ લબુશેને બહુ સારું પ્રદર્શન કર્યું હતું. તેને ભારત પ્રવાસ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ફિન્ચનું માનવું છે કે, કોઈ કારણ નથી કે તે ટેસ્ટનું ફોર્મ વનડેમાં જાળવી શકશે નહીં. એશિઝની શરૂઆતની મેચોમાં તેને ટીમમાં જગ્યા મળી નહોતી. તે અત્યારે અવિશ્વનીય ક્રિકેટ રમી રહ્યો છે.