(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૩
જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર હુમલો કરનાર આરોપી પોલીસકર્મીને અદાલતે રૂા.૧પ હજારના જામીન પર મુક્ત કર્યો છે. આ આરોપીની ધરપકડ ખોટી રીતે થયાની બચાવ પક્ષે દલીલ કરતા તેનો નિર્ણય અદાલતે મુલતવી રાખ્યો છે. જામનગરના શરૂ સેકશન રોડ પરથી સોમવારે સાંજે મોટર લઈને જતાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને જામનગરના વતની રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કો. સંજય ખીમાભાઈ કરંગિયાએ સામાન્ય અકસ્માત થવાની બાબતે ઉશ્કેરાઈ જઈ રીવાબાના વાળ પકડી તેઓનું માથું મોટરના કાચમાં અથડાવ્યાની તેમજ ફડાકા મારી તેણી પર નિર્લજ્જ હુમલો કર્યાની ફરિયાદ થઈ હતી. આ મામલાએ જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર પ્રસરાવી હતી. જ્યારે તેના પડઘા છેક દિલ્હી સ્થિત પી.એમ. કચેરી સુધી પડયા હતા. આરોપી સામે સખત પગલા ભરવાની મળેલી સૂચનાના પગલે પોલીસે આઈપીસી ૩૨૪ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી સંજય કરંગિયાની ધરપકડ કરી હતી. ગઈકાલે સાંજે આરોપી પોલીસકર્મીને ન્યાયમૂર્તિના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેના તરફથી રોકાયેલા વકીલ વી.એચ. કનારાએ આરોપીની ખોટી કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હોવાની દલીલ સાથે જામીન અરજી રજૂ કરી હતી. ન્યાયમૂર્તિએ આરોપી સંજય કરંગિયાને રૃા.૧પ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ ગુનામાં તપાસ કરનાર અધિકારીનું નિવેદન લેવામાં આવ્યું છે તેની સાથે રીવાબાની સારવાર કરનાર ખાનગી તબીબનું સર્ટીફિકેટ રજૂ થયું છે. અકસ્માતમાં આરોપી સંજય કરંગિયાને પગમાં ઈજા થઈ હોય, તેણે પણ જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવવા ગયો હોવાનું જણાવ્યું છે.