પાટણ, તા. ર૦
પાટણ પોલીસ અધિક્ષક શોભા ભુતડાની સૂચનાથી ના.પો. અધિ. રાધનપુર એચ.કે. વાઘેલાના માર્ગદર્શન હેઠળ હારીજ પોસઈ વી.વી. ત્રિવેદી તેમજ સે.પો.સ.ઈ. વાય.બી. બારોટ તેમજ સ્ટાફના ખોડાજી, અબ્દુલકયુમ, વિજયભાઈ, બિપીનભાઈ, હેતુભા વિગેરેનાઓ પેટ્રોલિંગમાં ફરતા હતા તે સમયે રાધનપુર વિસ્તારમાં વિવિધ ગુનાઓ આચરનાર શખ્સો એક ઈકો ગાડીમાં કાઠીથી હારીજ તરફ આવી રહ્યા હોવાની ચોક્કસ હકીકત મળતાં પોલીસ ટીમ વોચમાં ગોઠવાઈ ગયેલ અને સફેદ કલરની ઈકો ગાડી આવી પહોંચતા તેને થોભાવી તલાસી લેતા અંદર એમ્પ્લી ફાયર, પંખા, એલસીડી જેવો સર-સામાન ભરેલો હતો જે અંગે ગાડીમાં સવાર અર્જુનજી કરશનજી ઠાકોર રહે. જસલપુર તા.ચાણસ્મા અને ઠાકોર પિકુંજી માનસંગજી રહે. આંતરનેસ તા.સાંતલપુરવાળાઓએ પૂછપરછ કરતાં તેઓ આ સર-સામાન અંગે કોઈ યોગ્ય જવાબ કે પુરાવા આપી શકેલ નહી અને આ સર-સામાન ચોરીનો કે છળકપટથી મેળવેલો હોવાનું જણાઈ આવેલ. પોલીસે આ શખ્સોની ઉલટ તપાસ કરતાં તેઓએ વિવિધ ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરી હતી. જેમાં રાધનપુર નજીક લૂંટ ચલાવી હતી. તેમજ એમ્પ્લીફાયર, ટેબલ પંખો તેમજ એલસીડી ટીવી ચોરી કરી હતી. વડનગરના દવાખાનામાંથી વ્હીલચેર ચોરી હતી જ્યારે કમાલપુર નજીક ચાલતા બ્રિજના કામ પર મજૂરી કરતાં મજૂરોને મારમારી મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા પડાવ્યા હોવાની કબુલાત કરી હતી. તેમજ દશેક દિવસ પહેલાં શંખેશ્વરના રૂની ગામના પાટીયા આગળ તેમજ રૂની-મુજપુર વચ્ચે બે મોટા વાહનો ઊભા રખાવી તેમની પાસેથી મોબાઈલ ફોન, તેમજ રોકડા રૂપિયા પડાવી લીધા હોવાની પણ કબુલાત કરી હતી. પોલીસે ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સોની અટકાયત કરી તેમની સામે કાયદેસર કાર્યવાહી આગળ ધપાવાઈ છે.