(એજન્સી) અમદાવાદ, તા.ર૬
અક્ષરધામ હુમલા કેસમાં સંડોવાયેલ આરોપીને એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એરપોર્ટથી ઝડપી પાડ્યો હતો. ગાંધીનગરના અક્ષરધામ મંદિરના હુમલામાં સંડોવાયેલા આરોપી મહંમદ ફારૂક મહંમદ હનીફ શેખ છેલ્લા ૧પ વર્ષથી ફરાર છે ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસને આરોપી મહંમદ ફારૂક શેખ એમીરેટ્‌સ ફ્લાઈટમાં અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી ત્યારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ કે.જી. ચૌધરી, પીએસઆઈ, આઈ.એ. ધાસુરા તથા એટીએસના પીએસઆઈ જે.એમ. ઝાલા અને એચ.પી. પાલિયાનાની ટીમ બનાવી એરપોર્ટ ઉપર મોકલી હતી જ્યાં આરોપી મહંમદ ફારૂક શેખને ફ્લાઈટમાંથી ઉતરતાની સાથે જ ઝડપી પાડ્યો હતો. પકડાયેલો આરોપી છેલ્લા ૧પ વર્ષ સઉદી અરેબિયામાં છૂપાયો હતો. જો કે અક્ષરધામ મંદિર પર હુમલામાં પુરૂષ બાળકો, મહિલા કમાન્ડો અને પોલીસ સહિત ૩૪ લોકોના મોત થયા હતા. તેમજ ૮પ લોકોને ઈજા થઈ હતી. આરોપી ફારૂક શેખને પકડી લાવતા તેની વધુ તપાસ ક્રાઈમ બ્રાંચના એસીપી બી.વી. ગોહિલને સોંપવામાં આવી છે.