(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
શહેરના હરિપુરા વિસ્તારમાં બેગમાં રોકડા ૨૫,૬૪,૫૪૦ની ચોરી થઈ હતી. આ ગુનામાં મહિધરપુરા પોલીસે સીસીટીવી ફુટેજથી આરોપીની ઓળખ મેળવી રાજસ્થાનના પાલી જિલ્લામાંથી ફુલચંદને ઝડપી પાડી ૨૦ લાખનો મુદામાલ કબજે લીધો છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ૧૮-૧-૨૦૧૯ના રોજ કાલુરા ઉર્ફે કૈલાશ છનારામ ઘાંચી ઉ.વ.૨૪ જુદી જુદી પાર્ટીઓ પાસેથી રોકડ મેળવી હરિપુરા ભવાની વડ ખાતે આવેલ અંબિકા આંગડીયા સર્વિસમાં જમા કરવા જતો હતો. તે દરમિયાન કાલુરામે કાંસકીવાડ ભવાની માતાના મંદિર પાસે સિદ્ધેશ્વર નાસ્તાની દુકાને એક્ટીવા થોભાવી હતી. બે મિનિટમાં વેફર લઈને એક્ટીવા પાસે આવતા કોઈ ચોર એક્ટીવા પર લટકાવેલી થેલી ચોરી કરી નાસી ગયો હતો. થેલીમાં ઉઘરાવેલા રોકડા ૨૫,૬૪,૫૪૦ રૂપિયા હતા. આ બનાવ અંગે ચોરીની ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફુટેજથી આરોપીનું વર્ણન મેળવી ખાનગી બાતમીદારોના નેટવર્કની માહિતી મેળવી મહિધરપુરા પોલીસની ટીમ રાજસ્થાન રવાના થઈ હતી. પાલી જિલ્લાના દેસુરી તાલુકામાં થાના સાદડીથી ફુલચંદ જીવારામ માલવીયાની ધરપકડ કરી તેની પાસેથી રોકડા રૂપિયા ૨૦,૩૧૦૦૦ કબજે લીધા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી મુખ્ય આરોપી અને મુદ્દામાલ કબજે લીધો છે. અન્ય આરોપી હિંમત સોલંકી રહે. રાજસ્થાનની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.