અમદાવાદ, તા.૨
વડોદરાના નવલખી મેદાનમાં ગત ગુરૂવારે રાત્રે ૧પ વર્ષની કિશોરી પર બે નરાધમો દ્વારા કરવામાં આવેલા જંગલિયાતભર્યા દુષ્કર્મના બનાવ સંદર્ભે અલ્પસંખ્યક અધિકાર મંચની ટીમ દ્વારા તા.૩૦મીના રોજ દુષ્કર્મ પીડિતાના પરિવારજનોની મુલાકાત કરી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈ તપાસ અધિકારી સાથે મુલાકાત કરી કેસ બાબતે માહિતી મેળવી હતી. વડોદરા પોલીસ દ્વારા આ દુષ્કર્મના આરોપીઓને પકડવા માટે ૧૪ અલગ અલગ ટીમો બનાવીને તેમજ આરોપીઓના સ્કેચ તૈયાર કરીને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ આરોપીઓ આજ દિન સુધી પોલીસ પકડ થી દુર છે. અને તેમના પ્રયત્નો ફક્ત કાગળ ઉપર હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. આ બનાવમાં અલ્પસંખ્યક અધિકાર મંચની ટીમ દ્વારા જયારે મુલાકાત લેવામાં આવી ત્યારે કિશોરીના મિત્રએ એવું જણાવેલ કે તેણે પોલીસ ને ૧૦૦ નંબર ઉપર સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ સંપર્ક થઇ શકેલ નહિ જે ખુબ જ ગંભીર બાબત છે. જો આ ઘટનામાં સમયસર પોલીસ નો સંપર્ક થઇ શક્યો હોત તો કદાચ કિશોરીની સાથે થયેલ ઘટનાને અટકાવી શકાઈ હોત. સમગ્ર ઘટના અનુસંધાને અલ્પસંખ્યક અધિકાર મંચ દ્વારા મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી, માનવ અધિકાર આયોગ, પોલીસ મહાનિર્દેશક, વડોદરા પોલીસ કમિશનર, સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયને આવેદનપત્ર દ્વારા નીચે મુજબ માંગણીઓ કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે, આ કેસના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને તેમની સામે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આરોપીઓને કડક માં કડક સજા કરવામાં આવે, પીડિત યુવતીનો પરિવાર ખુબ જ ગરીબ હોઈ તેમને તાત્કાલિક ધોરણે ગુજરાત વિકટીમ કોમ્પન્સેશન સ્કીમ અંતર્ગત વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવે, બાળ આયોગની ટીમ દ્વારા તાત્કાલિક પીડિત યુવતીની તેમજ તેના પરિવારની મુલાકાત કરવામાં આવે, પીડિત યુવતી ખુબ જ ગભરાઈ ગયેલ હોઈ તેનું નિષ્ણાત પાસે કાઉન્સીલીંગ કરવામાં આવે જેથી તે આ આઘાત માંથી જલ્દી બહાર આવી શકે, સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લોકજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવે, જિલ્લા ન્યાય સમિતિઓ દ્વારા આ પ્રકારના દુષ્કર્મના કેસોમાં પીડિત પરિવારને તાત્કાલિક વળતર મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ તે અંગે દિશા નિર્દેશોનું પાલન કરવામાં આવે સહિતની માગણીઓ કરવામાં આવી છે. એમ મંચના કન્વિનર એડવોકેટ શમશાદ પઠાણે જણાવ્યું છે.