અમદાવાદ, તા.૭
એલઆરડીની પરીક્ષાના પેપરલીક કાંડમાં ગઈકાલે ત્રણ આરોપીઓને ગાંધીનગર જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા યશપાલ અને ઈન્દ્રવદનના ૧૦ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. જ્યારે રાજેન્દ્રના પાંચ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. જો કે યશપાલ અને રાજેન્દ્રએ તો વકીલ રોકવાની પણ ના પાડી દીધી હતી.
રાજ્યભરમાં ગાજેલા પેપરલીક કાંડના એક તરફ પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણ શખ્સના રિમાન્ડ મેળવ્યા છે. તો બીજી તરફ તેમની પૂછપરછ દરમિયાન મહેન્દ્રસિંહ બોડાણા અને અશ્વિન રાજપૂત નામના બે શખ્સોના નામ સામે આવ્યા છે. મુખ્ય આરોપી યશપાલ અને ઈન્દ્રવદન સહિત બે શખ્સોના આજે કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે રાજેન્દ્ર વાઘેલાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આજે પોલીસ ત્રણેય આરોપીઓને લઈને કોર્ટ પહોંચી હતી. ત્યારે કોર્ટમાં જજે ત્રણે આરોપીઓને આગળ બોલાવ્યા હતા. અને નામ પૂછ્યા હતા. જે બાદ પોલીસે તેને માર્યા છે કે કેમ તે અંગે પણ સવાલ કર્યા હતા. જોકે ત્રણેય આરોપીઓએ માર માર્યાની વાત નકારી દીધી હતી. યશપાલ અને રાજેન્દ્રએ વકીલ રોકવાની પણ ના કહી હતી. પોલીસે આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડ મેળવવા માટે વિવિધ કારણો રજૂ કર્યા હતા.જેમાં યશપાલની દિલ્હી મુલાકાત, યશપાલના ઘરની તપાસ, આરોપીઓ સાથે રાખીને પૂછપરછ સહિતના કારણો દર્શાવ્યા છે. જે બાદ કોર્ટે યશપાલ અને પેપરલીક કાંડના દિલ્હી કનેકશન સાથે જેનું નામ જોડાયું છે. તેવા ઈન્દ્રવદનના ૧૦-૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો રાજેન્દ્ર વાઘેલાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ અગાઉ પકડાયેલા આરોપીઓને સાથે રાખીને પૂછપરછ કરશે. દિલ્હી અને અન્ય જગ્યાઓ અને આરોપીઓના ઘરે પણ તપાસ હાથ ધરશે.