(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
દિલ્હી પોલીસે દેશદ્રોહના એક કેસમાં વિદ્યાર્થી નેતાઓ કન્હૈયા કુમાર અને ઉમર ખાલિદ સહિત ૧૦ લોકો સામે અસંખ્ય આરોપો મુક્યા છે. પટિયાલા હાઉસ કોર્ટમાં સોમવારે પોલીસે આ કેસના આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસ ભારે પેટીમાં મુકીને ચાર્જશીટ લાવી હતી. આ ચાર્જશીટ આશરે ૧૨૦૦ પાનાની છે. ફેબ્રુઆરી ૨૦૧૬ના દેશદ્રોહના કેસમાં જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (જેએનયુ)ના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્ર વિરોધી સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. સંસદ પર હુમલાના માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરૂને ફાંસી આપવા સામેના વિરોધમાં અને અફઝલ ગુરૂની યાદમાં જેએનયુ કેમ્પસમાં એક કાર્યક્રમનું આયોજન કરવા બદલ ૨૦૧૬માં કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્યની ધરપકડ કરવામાં આવી હતી. એ કાર્યક્રમમાં રાષ્ટ્ર વિરોધી સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હોવાના આરોપ મુકવામાં આવતા ભાર રોષ ફાટી નીકળ્યો હતો. આ કેસના આરોપીઓમાં કન્હૈયા કુમાર અને ઉમર ખાલિદ ઉપરાંત અનિર્બાન ભટ્ટાચાર્ય, શહલા રાશિદ, ડીએમકેના નેતા ડી રાજાની પુત્રી અપરાજિતા રાજા, આકિબ હુસેન, મુજીબ હુસેન, મુનીબ હુસેન, ઉમર ગુલ, રાઇયા રસૂલ અને બશીલ ભટ સહિત અન્ય કેટલાક લોકોનો પણ સમાવેશ થાય છે. ચાર્જશીટમાં અન્ય ૩૬ નામ હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમના નામ ચાર્જશીટના કોલમ ૧૨માં છે, કારણ કે તેમની સામે કોઇ પુરાવા મળ્યા નથી. જોકે, પૂછપરછ કરવા માટે તેમને બોલાવી શકાય છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ આ કેસની તપાસ કરી રહ્યું છે. આ કેસમાં આઇપીસીની કલમ ૧૨૪એ, ૩૨૩, ૪૬૫, ૪૭૧, ૧૪૩, ૧૪૯, ૧૪૭, ૧૨૦બી હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કોર્ટ મંગળવારે ૧૫મી જાન્યુઆરીએ તેના પર વિચાર કરશે.

ચૂંટણી પહેલા ચાર્જશીટ દાખલ થવા બદલ મોદીજીનો આભાર : કનૈયા કુમાર

કન્હૈયા કુમારે તેમની સામે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આશરે ૧૨૦૦ પાનાની રજૂ કરવામાં આવેલી ચાર્જશીટ અંગે જણાવ્યું કે જો ખરેખર ચાર્જશીટ દાખલ થઇ છે તો હું પોલીસ અને મોદીજીને આભાર કહેવા માગું છું. ત્રણ વર્ષ બાદ લોકસભાની ચૂંટણીઓ યોજાવાના થોડાક દિવસ પહેલા ચાર્જશીટ દાખલ થવી, એ દર્શાવે છે કે આ ઘટના રાજકીયરીતે પ્રેરિત છે. તેમ છતાં મને દેશના ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે.

આ રાજકીય રીતે પ્રેરિત છે : ડી.રાજા

સીપીઆઇના નેતા ડી રાજાએ જણાવ્યું કે આ રાજકીય રીતે પ્રેરિત આરોપ છે. કોઇ પણ એઆઇએસએફ પર દેશના વિરોધમાં કોઇ કામ કરવાનો આરોપ મુકી શકે નહીં. તપાસ કરવા માટે કશું જ નથી, અમારા વિદ્યાર્થી આ પ્રકારની કોઇ પણ ગતિવિધિઓમાં સંડોવાયેલા નથી.