(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૩૧
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરિક્ષાનું પરિણામ આજે જાહેર થતા તેમાં આણંદનાં બાકરોલની રીક્ષા ચાલકની પુત્રી અર્શનાઝએ ૯૯.૯૮ ટકા ગુણ સાથે ઉતિર્ણ થઈને એ-૧ ગ્રેડ સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, અર્શનાઝ આગળ વધુ અભ્યાસ કરીને ચાટર્ડ એકાઉન્ટ બનવા માંગતી હોવાની મહેચ્છા તેણીએ વ્યક્ત કરી હતી.
આણંદનાં બાકરોલ ગામે રહેતા અને રીક્ષા ચલાવીને પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા ઐયાઝભાઈ વ્હોરાની દિકરી અર્શનાઝએ વલ્લભવિદ્યાનગરની ટી વી પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ગત માર્ચ ૨૦૧૮માં લેવાયેલી ધો.૧૨ની બોર્ડની પરિક્ષા આપી હતી. જેનું પરિણામ આજે જાહેર થતા અર્શનાઝએ ૯૯.૯૮ પી.આર સાથે એ-૧ ગ્રેડમાં ઉતિર્ણ થઈ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જિલ્લામાં માત્ર એ-૧ ગ્રેડમાં માત્ર બે વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા હતા. તેમાં પ્રથમ સ્થાન અર્શનાઝએ મેળવ્યું છે. અર્શનાઝએ આંકડા શાસ્ત્રમાં ૧૦૦માંથી ૧૦૦ અને એકાઉન્ટમાં ૧૦૦માંથી ૯૯ ગુણ પ્રાપ્ત કર્યા છે. આ અંગે તેણીએ જણાવ્યું હતું કે તે દરરોજ ચાર કલાકનું વાંચન કરતી હતી અને શાળામાંથી આવ્યા બાદ તે રોજે રોજનું રીવીઝન કરતી હતી અને સખ્ત મહેનત દ્વારા તે આ પરિણામ પ્રાપ્ત કરી શકી છે. તેને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તેનાં પિતા તરફથી સતત પ્રોત્સાહન મળ્યું છે અને જે થકી તે સફળતા પ્રાપ્ત કરી શકી છે અને તેણે મેળવેલી આ સફળતાનો યશ તેણે પોતાનાં માતા પિતા અને શાળાનાં તેમજ ટયુશન કલાસીસનાં શિક્ષકોને આપ્યો હતો.