અમરેલી,તા.ર૪
અમરેલી નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોનું આર્થિક શોષણ કરવાની નીતિ સામે આઠ દિવસથી ધરણા ઉપર ઉતરેલા ૧૭૩ સફાઈ કર્મીઓની હડતાળના કારણે શહેરમાં ગંદકીના ગંજ ખડકાતાં જન આરોગ્ય ઉપર ખતરો ઊભો થયેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવી અબજો રૂપિયાનો ખર્ચ કરી રહેલ છે ત્યારે બીજી તરફ શહેરને સ્વચ્છ-સુઘડ રાખનાર સફાઈ કામદારોનું રૂા.૩પ૦૦માં શોષણ કરવામાં આવી રહેલ છે. આવા સફાઈ કામદારોને આજની કાળઝાળ મોંઘવારીમાં આટલા સામાન્ય પગારમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બને છે. ૧૭૩ સફાઈ કામદારો લાંબા સમયથી પાલિકાની શોષણકારી નીતિનો ભોગ બનતા પગાર વધારાની માંગણી સાથે હડતાળ પર ઉતરી જઈ પાલિકા કચેરી સામે જ છેલ્લા ૮ દિવસથી પ્રતિક ધરણા ઉપર ઉતરી પોતાની માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાના મક્કમ નિર્ધાર કરેલ છે. આ હડતાળના કારણે શહેરની સફાઈને ઘેરી અસર પડતાં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા છે. સરકારના સ્વચ્છતા અભિયાનમાં અમરેલી જન આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઊભો થયેલ છે. હાલ ચોમાસાની ઋતુમાં ગંભીર રોગચાળો ના ફાટે તે માટે તંત્ર દ્વારા હડતાળનો સત્વરે ઉકેલ લાવવામાં આવે તેવી લોક લાગણી છે.સફાઈ કામદારોની હડતાળના સમર્થનમાં ગતરોજ વિરોધ પક્ષના નેતા સંદિપ ધાનાણી, પંતાજલ ડાબરિયા સહિતના પ્રતિક ધરણામાં જોડાયા હતા અને કામદારોને ન્યાય ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતના ધરણા કરવાની જાહેરાત કરેલ હતી. અમરેલી નગરપાલિકાનું મહેકમ સેટઅપ ૧૯૬૩માં અમલમાં આવ્યા બાદ આજ દિન સુધી મહેકમ સેટઅપ વધારો કરવામાં આવેલ નથી. સફાઈ કામદારોનું સેટઅપ ૧૧રનું હતું. જેમાંથી હાલ પ૦ જેટલી જગ્યા ખાલી છે. તેમ છતાં પણ પાલિકા દ્વારા આ જગ્યાઓ ભરવાના બદલે ફિક્સ પગારમાં શોષણ કરવામાં આવી રહેલ છે. તેમ સફાઈ કામદારોએ જણાવ્યું છે. સફાઈ કર્મીઓની માંગણી નહીં સંતોષવામાં આવે તો આગામી દિવસમાં તમામ સફાઈ કર્મીઓ પણ હડતાળમાં જોડાઈ શહેરના સ્વચ્છતા કાર્યનો વિરોધ કરશે.
અમરેલી નગરપાલિકાના સફાઈ કામદારોના આર્થિક શોષણ વિરૂદ્ધ આઠ દિ’થી ધરણા

Recent Comments