(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર પરિષદના એક મહત્વના સભ્યે ભારતીય અર્થતંત્રની મંદી માટે ભૂતપૂર્વ નાણા પ્રધાન પ્રણવ મુખરજીનો બિઝનેસ પર પશ્ચાદવર્તી અસરથી ટેક્સ નાખવાનો નિર્ણય અને ૧૯૯૩થી કોલ બ્લોક્સને સુપ્રીમકોર્ટ દ્વારા રદ કરવાની બાબતને જવાબદાર ગણાવી છે. આર્થિક સલાહકાર પરિષદના સભ્ય શમિકા રવિએ જણાવ્યું કે આ બે મહત્વના નિર્ણયોથી ભારતીય અર્થતંત્રની મંદી તરફની યાત્રા શરૂ થઇ હતી. શ્રેણીબદ્ધ ટિ્‌વટમાં તેમણે લખ્યું છે કે આર્થિક સુધારાઓનો હેતુ અર્થતંત્રમાં નીતિની અનિશ્ચિતતા ઘટાડવાનો હતો. ૨૦૧૨થી ભારતમાં ખાનગી મૂડીરોકાણ ઘટી રહ્યું છે. નોટબંધીને કારણે વર્તમાન આર્થિક મંદી આવી હોવાનું ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર ડો.પ્રણવ સેન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે પ્રતિક્રિયા આપતા રવિએ ઉપર મુજબ જણાવ્યું હતું.