(એજન્સી) તા.૧
આરબીઆઇ દ્વારા અનામત તરીકે રાખવામાં આવેલા નાણાનો ગરીબી નાબૂદી માટે ઉપયોગ થઇ શકે. નાણાપ્રધાન અરુણ જેટલીએ સીબીઆઇ વિરુદ્ધ સીબીઆઇ, ભાજપ સાથે સંભવિત ભવ્ય મહાગઠબંધન અને રામ મંદિર મુદ્દે વ્યાપક વાતચીત કરતા આવું જણાવ્યું હતું.
આરબીઆઇ પાસે તેના રિઝર્વમાં રાખવામાં આવતા કેટલાક નાણા સરકારને પરત કરવામાં આવે એવી કેન્દ્રની માગણીના પગલે સરકાર અને ઉર્જીત પટેલના વડપણ હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે ગજગ્રાહ ઊભો થયો છે. આરબીઆઇ અને સરકાર વચ્ચે આ મુદ્દે અજંપાભરી સુલેહ થઇ હતી અને તેઓ રિઝર્વ બેંક તેના ફાજલ નાણા સરકારને તબદિલ કરી શકે કેમ તે પ્રશ્ન નિષ્ણાત સમિતિને રીફર કરવા સંમત થયા હતા.
ઇન્ડિયા ટુડે ટીવી સાથેની એક મુલાકાતમાં અરુણ જેટલીએ જણાવ્યું હતું કે આરબીઆઇ માટે રિઝર્વમાં કેટલા નાણા રાખવા તેની મર્યાદા નક્કી કરવાની જરુર છે. એક પ્રકારનું કેપિટલ ફ્રેમવર્ક હોવું જોઇએ કે જે આરબીઆઇ પોતાના રિઝર્વમાં કેટલા નાણા રાખી શકે અને વધારાના નાણા સાથે તેને શું કરવું જોઇએ તે માટે નિર્ધારીત નીતિ હોવી જોઇએ અને કેપિટલ ફ્રેમવર્ક પણ હોવું જોઇએ. જેટલીએ જણાવ્યું હતું કે પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મુખ્ય આર્થિક સલાહકાર તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન કેપિટલ ફ્રેમવર્ક પોલિસીની હિમાયત કરી હતી પરંતુ જ્યારે તેઓ આરબીઆઇના ગવર્નર બન્યા ત્યારે તેમણે આ મુદ્દે ફેરવી તોળ્યું હતું. જેટલીએ આરબીઆઇ આકસ્મિક સ્થિતિ માટે મોટુ રિઝર્વ રાખે એવી તેની દલીલને પડકારી છે. તમે ઇમર્જન્સી માટે નાણાભીડ થાય ત્યારે નાણા ઉપયોગમાં લેવા માટે અનામત ભંડોળ રાખો છો પરંતુ લોકોની પેઢીઓ ક્યારે નાણાભીડ આવે અને ક્યારે આ નાણાનો ઉપયોગ થાય તેની રાહ જુએ છે. તેણે જણાવ્યું હતું કે આરબીઆઇના ફાજલ નાણાનો ગરીબી નાબૂદી માટે ઉપયોગ થઇ શકે. સરકાર આરબીઆઇની સ્વાયત્તતા પર તરાપ મારી રહી છે કે લક્ષ્મણરેખા ઓળંગી રહી છે એવા આક્ષેપોને જેટલીએ રદિયો આપ્યો હતો.