(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૪
પૂર્વ નાણાં પ્રધાન અરૂણ જેટલીનું આજે નિધન થતા તેઓએ દત્તક લીધેલા વડોદરા જિલ્લાનાં ડભોઇ તાલુકાનાં તિર્થ સ્થાન ચાંદોદ થી કરનાળી સુધી નર્મદા નદીમાં ઘાટ બનાવવાનું સ્વપ્નું અધુરૂ રહી ગયું છે. આ ઉપરાંત તેઓએ દત્તક લીધેલ કરનાળી ગામની રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી થાય તેવા વિકાસનાં કામો કરવાની પ્રબળ ઇચ્છા હતી. તે ઇચ્છા પણ તેઓની અધુરૂ રહી ગઇ હતી. દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનાં દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.
પૂર્વ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ વડોદરા જિલ્લાનાં ડભોઇ તાલુકામાં નર્મદા નદી કિનારે આવેલા તિર્થ સ્થાન કરનાળી અને ચાંદોદ ગામ દત્તક લેવા ઉપર પસંદગી ઉતારી હતી. કરનાળીમાં કુબેર ભંડારીદાદાનું મંદિર આવેલું છે. જ્યારે ચાંદોદમાં અસ્થિર વિસર્જનનું મહત્વ છે. આ બંને સ્તર શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર હોવાથી અરૂણ જેટલીએ આ બંને તિર્થ સ્થાન દત્તક લઇને વિકાસ કરવાનું પસંદ કર્યું હતું. આ સાથે તેઓને ચાંદોદ થી કરનાળી સુધી નર્મદા નદીમાં ઘાટ બનાવવાની ઇચ્છા હતી તેઓની આ ઇચ્છા અધુરી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે, અરૂણ જેટલીનું અધુરૂ સ્વપ્નું કોણ પુરૂ કરશે.