(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું ૬૬ વર્ષની વયે નિધન થયું છે. આ મહિનાની શરૂઆતમાં તેમને બીમાર હાલતમાં ઓલ ઇન્ડિયા મેડીકલ સાયન્સીઝમાં લઇ જવાયા હતા. ગૃહ મંત્રી અમિત શાહે પોતાના હૈદરાબાદના પ્રવાસને ટૂંકાવી દીધો છે જ્યારે તેઓ જેટલીના નિધનને પગલે દિલ્હી માટે રવાના થયા હતા. એઇમ્સ દ્વારા બહાર પડાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે, ભારતની સરકારના માનનીય પૂર્વ સંસદસભ્ય અને પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના અવસાનના સમાચાર સંભળાવતા અત્યંત દુઃખ થાય છે. તેમનું નિધન ૨૪મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ બપોરે ૧૨.૦૭ વાગે થયું છે. એઇમ્સમાં ઔપચારિકતાઓ બાદ જેટલીના પાર્થિવ શરીરને કૈલાશ કોલોની ખાતેના તેમના નિવાસ ખાતે લવાયું હતું. રવિવારે સવારે પાર્થિવ શરીરને ભાજપના મુખ્યમથકે લવાશે જ્યાંરાજકીય દળોના નેતાઓ તેમને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપશે. ભાજપના મુખ્યમથકમાંથી તેમના પાર્થિવ શરીરને નિગમબોઘ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર માટે લઇ જવાશે. ભાજપના પ્રવક્તા સુધાંશુ મિત્તલે કહ્યું કે, જેટલીના પરિવારે વિદેશ પ્રવાસમાં ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તમામ કાર્યક્રમો પુરા કર્યા બાદ જ સ્વદેશ પરત ફરવાનું જણાવ્યું હતું તેથી તેઓ પૂર્વ નાણામંત્રીના અંતિમ સંસ્કારમાં ભાગ લઇ શકશે નહીં.
તબીયત નાસાજ હોવાને કારણે અરૂણ જેટલી તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીઓમાં ભાગ લઇ શક્યા ન હતા અને કોઇપણ મંત્રી પદની જવાબદારી લેવાનોપણ ઇન્કાર કરી દીધો હતો. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં અરૂણ જેટલીએ નાણા તથા સંરક્ષણ મંત્રાલયો સહિત અનેક મહત્વના પદોની જવાબદારી સ્વીકારી હતી. માર્ચ ૨૦૧૭માં અરૂણ જેટલીએ સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. જેટલીએ બે વખત લોકસભા ચૂંટણી લડી અને બંને વખત તેઓ હારી ગયા બાદ પણ રાજ્યસભામાં પહોંચવામાં સફળ થયા હતા. તેઓએ પ્રથમ વખત ૨૦૧૪માં દિલ્હીની ચાંદની ચોક વિસ્તારમાંથી લોકસભા ચૂંટણી લડ્યા હતા પણ કપિલ સિબ્બલ સામે તેઓ ચૂંટણી હારી ગયા હતા. બીજી વખત તેમણે ફરી પોતાની કિસ્મત પંજાબના અમૃતસરમાંથી અજમાવી હતી પરંતુ બીજી વખત પણ તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. વડાપ્રધાન મોદીએ તેમને રાજ્યસભામાં સ્થાન અપાવવાની સાથે જ સંરક્ષણ, નાણા તથા માહિતી તથા પ્રસારણ મંત્રાલય સહિતના ત્રણ મહત્વના ખાતા પણ ફાળવ્યા હતા. આમ તેમણે મોદી શાસનના પ્રથમ કાર્યકાળમાં જ સરકારના મુખ્ય વ્યક્તિની ભૂમિકામાં કામ કર્યું હતું. સરકાર માટે તરફેણમાં કવરેજ થવા માટેન ખાતરી કરવામાં તેઓ મુખ્ય જવાબદાર છે. તેમની સાથે કેટલાક ચર્ચાસ્પદ કિસ્સા પણ બન્યા જેમ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે બદનક્ષીનો દાવો કર્યો હતો જેમાં બંને નેતાઓ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી. ડીડીસીએની અધ્યક્ષતા સંભાળવા દરમિયાન તેમના પર તેમના પક્ષના સાથી કિર્તી આઝાદે ભ્રષ્ટાચારના આરોપો મુક્યા હતા જેમની સામે પણ તેમણે જોરદાર લડત આપી હતી. જેટલીની જાહેરમાં ટીકા કરવા બદલ આઝાદને બાદમાં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ અરૂણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કરતા ટિ્‌વટ કર્યું હતું કે, દેશને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે અને ખાસ કરીને મને પણ ભારે ખોટ પડી છે. મારી સંવેદના દર્શાવવા માટે મારી પાસે શબ્દો નથી. તેઓ શક્તિશાળી વિદ્વાન સાથે સફળ વહીવટકર્તા પણ હતા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ પોતાના ટિ્‌વટમાં લખ્યું હતું કે, અરૂણ જેટલીના નિધનના સમાચાર સાંભળ્યા. તેઓ અમારી પાર્ટી અને સરકાર માટે દેશની મિલકત હતા. અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ આપવા હું દિલ્હી જઇ રહ્યો છું.

ભાજપના અંધકારયુગમાં આધારસ્તંભ બની
રહેલા પત્રકાર અને રાજકારણી અરુણ જેટલી

(એજન્સી) તા.૨૪
હું અરુણ જેટલી વિશે શું લખું. આ તો એવી હસ્તી હતી જે ભાજપ માટે પણ આધારસ્તંભ સમાન હતી. જ્યારે પણ ભાજપ મુશ્કેલીમાં રહ્યો ત્યારે તેઓ સામે આવીને તેનો હંમેશા આક્રમક રીતે બચાવ કરતાં રહ્યાં. તે એક એવા રાજનેતા હતા જે હંમેશા એક જ વાક્યમાં જેન્ટલમેન તરીકે રાજનીતિ કરતાં હતાં. તેમને ક્યારેય એ વાતની ચિંતા નહોતી કે તેમના ટીકાકારો તેમના વિશે કે તેમની કરેલી ટિપ્પણી વિશે શું કહેશે. લુટિયન્સ દિલ્હીના જેટલી હંમેશા ભગવાધારી પાર્ટીની પડખે લડી લેવા પણ તૈયાર રહેતા હતા. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતે સ્વીકારી ચૂક્યા છે કે તેઓ લુટિયન્સ દિલ્હીની સંસ્કૃતિને સ્વીકારી શક્યા નથી. વડાપ્રધાન મોદી અને અરુણ જેટલી વચ્ચે ત્રણ દાયકાથી પણ જૂની મિત્રતા હતી અને એટલા માટે જ વડાપ્રધાન મોદી તેમના પર ભરપૂર વિશ્વાસ કરતાં હતાં. જ્યારે પણ જરુર પડી ત્યારે બંને એકબીજાની પડખે આવીને ઊભા રહ્યાં. તેમને કાયદાની પણ સારી એવી માહિતી હતી. તેમના એન્સાયક્લોપીડિયા પરની માહિત વાંચશો તો દંગ રહી જશો. તેઓ બિઝનેસ એડીટર રહી ચૂક્યા છે અને તેઓ રાજકીય એડિટર પણ રહી ચૂક્યા છે. તેમણે સ્પોટ્‌ર્સ એડીટર તરીકે પણ ફરજ બજાવી છે. આ બધાને મિલાવીને તે રાજનીતિમાં મેનેજિંગ એડિટર પણ રહી ચૂક્યા છે. જ્યારે પણ કોઇ મિત્ર તેમનો સંપર્ક કરે તો તેમની પાસે પત્રકારોને અઢળક સ્ટોરીઓ મળી રહેતી હતી. રસપ્રદ વાત તો એ છે કે જ્યારે પણ ભાજપને તેમની જરુર પડી ત્યારે જેટલી ક્યારેય ક્રિકેટની વાતો કરતાં કાં તો બીસીસીઆઇની વાતો કરી લેતા. તેમની પાસે દરેક મુદ્દે કંઈકને કંઇક જ્ઞાનનો ભંડાર હતો. તેના કારણે જ તેઓ ત્રણ પેઢીઓની પત્રકારિતા પર પોતાની છાપ છોડી ગયા. જ્યારે પણ અમે તેમની પાસે ગયા તેમણે મિત્રતાપૂર્ણ જ વ્યવહાર કર્યો. એક પત્રકાર અને રાજનેતા તરીકે તેમણે સફળતાના શિખર સર કર્યા છે.

અરૂણ જેટલીના યોગદાનને હંમેશાં યાદ રખાશે : સોનિયા ગાંધીએ શ્રદ્ધાંજલિ આપી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના નિધન પર કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, જાહેર જીવનમાં જેટલીના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. સોનિયા ગાંધીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જેટલીએ એક જાહેર વ્યક્તિત્વ, સાંસદ અને મંત્રી તરીકે લાંબા સમય સુધી સેવાઓ આપી છે. જાહેર જીવનમાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. આ પહેલા કોંગ્રેસ પાર્ટીએ પોતાના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર જણાવ્યું હતુ કે, અમને અરૂણ જેટલીના નિધન અંગે સાંભળીને ભારે દુઃખ થયું છે. દુઃખની આ ઘડીમાં અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ જેટલીજીના પરિવાર સાથે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ, મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલા અને અનેક દિગ્ગજ નેતાઓએ પણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જેટલીનું નિધન શનિવારે એઇમ્સમાં થયું હતું. આ સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તથાકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જેટલીના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું હતુ કે, આ વ્યક્તિગત ખોટને પુરી શકાય તેમ નથી. તેમણે ટિ્‌વટમાં લખ્યું કે, અરૂણ જેટલીજીના નિધનથી અત્યંત દુઃખી છું. જેટલીજીનું જવું મારા માટે વ્યક્તિગત ક્ષતિ છે. તેમના રૂપમાં મેં એક સંગઠનના વરિષ્ઠ નેતા જ ખોયા નથી પણ પરિવારનો એક એવો અભિન્ન સભ્ય ગુમાવ્યો છે જેમનો સાથે અને માર્ગદર્શન મને વર્ષો સુધી પ્રાપ્ત થતો રહ્યો છે

અરૂણ જેટલીના નિધન પર રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું અત્યંત દુઃખી છું, પીએમ મોદીએ તેમને રાજકીય દિગ્ગજ ગણાવ્યા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીનું શનિવારે દિલ્હીની એઇમ્સમાં નિધન થયું હતું. આ સાથે જ ભાજપના દિગ્ગજ નેતાઓ તથા વિપક્ષ અનએ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિ જેવા લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, અરૂણ જેટલીના નિધનથી અત્યંત દુઃખી થયો છું. અરૂણ જેટલી એક સારા વકીલ અને વરિષ્ઠ સાંસદ હતા. રાષ્ટ્રના નિર્માણમાં તેમને અનન્ય ફાળો આપ્યો છે. તેમણે દૃઢતા અને ગરિમા સાથે બીમારીનો સામનો કર્યો, એક પ્રખર વકીલ, અનુભવી સાંસદ અને ઉત્કૃષ્ટ મંત્રી તરીકે તેમનું યોગદાન અમૂલ્ય છે. તેઓ કઠિનથી કઠિન કાર્યને શાંતિ, ધૈર્ય તથા ઘેરી સમજદારી સાથે પૂરો કરવાનો અદભૂત સામર્થ્ય રાખતા હતા. તેમનું નિધન અમારા સાર્વજનિક જીવન અને બૌદ્ધિક ક્ષેત્ર માટે મોટી ખોટ છે. તેમના પરિવાર અને સહયોગીઓ પ્રત્યે મારી સંવેદનાઓ છે. દરમિયાન વિદેશ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, અરૂણ જેટલીના નિધનથી મને અંગત રીતે ખોટ પડી છે. તેમણે લખ્યું કે, અમારી પાર્ટીએ એક દિગ્ગજ નેતા ગુમાવ્યા છે. મારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે.

અરુણ જેટલી : પડદા પાછળના શાનદાર રણનીતિકાર,
પક્ષની બહાર પણ તેમના અનેક મિત્રો હતા

(એજન્સી) તા.૨૪
વડાપ્રધાન મોદીની સરકારમાં હંમેશા એક આધારસ્તંભ અને મુશ્કેલીમાં બચાવ માટે અગ્રેસર રહેવા માટે જાણીતા નેતા અને પૂર્વ નાણાંમંત્રી રહી ચૂકેલા અરુણ જેટલીનું આખરે ૬૬ વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. પૂર્વ કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજને ગુમાવ્યા બાદ ભાજપે આ બીજા મોટા નેતાને ગુમાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે સુષમા સ્વરાજનું ૬ ઓગસ્ટના રોજ નિધન થઇ ગયું હતું. સુષમા સ્વરાજની જેમ અરુણ જેટલી પણ એક વકીલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને ત્યારબાદ તેઓ રાજનીતિમાં પ્રવેશ્યા હતા. તેમના ભાજપની અંદર જ નહીં પણ પાર્ટીની બહાર પણ અનેક મિત્રો રહી ચૂક્યા છે. વડાપ્રધાન મોદીની સરકારમાં તેઓ શક્તિશાળી મંત્રીઓમાં સ્થાન પામી ચૂક્યા હતા. તેમણે પડદા પાછળના શાનદાર રણનીતિકાર તરીકે માનવામાં આવતા હતા. જીએસટી લાગુ કરવાની વાત હોય કે પછી નોટબંધી કરવાની વાત હોય દરેક મજબૂત નિર્ણયો કરવામાં તેમની કોઇક ને કોઇક પ્રકારે ભૂમિકા રહી હતી. ચાલુ વર્ષે જ્યારે ભાજપે બીજીવાર વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ સરકાર બનાવી ત્યારે તેમણે લખ્યું હતું કે તેઓ હવે વડાપ્રધાન મોદીની આ બીજી સરકારમાં સાથી બનવા માગતા નથી. આમ કરવા પાછળ તેમણે સ્વાસ્થ્ય સારું ન હોવાનું કારણ આપ્યું હતું. તેમણે વડાપ્રધાન મોદીને લખ્યું હતું કે હું એક સારા મિત્ર તરીકે તમને જણાવું છું કે હું હવે મારા શરીરને કારણે અશક્ત છું. હવે હું મારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માગું છું. એટલા માટે હવે કોઇ નવી જવાબદારી કે પડકાર ઝિલવાની મારામાં ક્ષમતા રહી નથી. મહેરબાની કરીને હવે મને આ જવાબદારીઓથી મુક્ત કરો.

અરુણ જેટલી : જમણેરી વિચારધારા ધરાવતી સરકારના અંતિમ ઉદારવાદી

(એજન્સી) તા.૨૪
પત્રકારોમાં ચીફ ઓફ બ્યુરો તરીકે પ્રસિદ્ધ એવા અરુણ જેટલી જમણેરી વિચારધારા ધરાવતી સરકારના અંતિમ ઉદારવાદી તરીકેની ઓળખ ધરાવતાં હતા. જોકે તેમણે જન્માષ્ટમી પર્વના દિવસે દિલ્હીની એઇમ્સમાં લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધા હતા. આ સંસ્થાની સ્થાપના ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવી હતી. જોકે એ સૌની સામે છે કે અરુણ જેટલી હંમેશા નહેરુનો વિરોધ કરતાં રહ્યાં છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હંમેશા કહેતા રહ્યાં છે કે જીવન ક્યારેય વિરોધાભાસથી મુક્ત રહેતું નથી. એવી જ રીતે જેટલીનું જીવન પણ ક્યારેય વિરોધાભાસથી મુક્ત રહ્યું નથી. હંમેશા સારી વાતો કરનારા, મિત્રો પ્રત્યે હંમેશા વફાદાર અને દિલ્હી લુટિયન્સના વતની જેટલી હંમેશા એક સારું જીવન જીવીને ગયા. તેઓ એક જ્ઞાનનું સાગર હતા. શત્રુઓના જૂથમાં પણ તેમના અનેક મિત્રો જ હતા. દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી યુનિયનના અધ્યક્ષ તરીકે પોતાની કારકિર્દી શરુ કરનારા અરુણ જેટલી આરએસએસના સભ્ય પણ રહી ચૂક્યા છે અને જે વિદ્યાર્થી યુનિયનના તે અધ્યક્ષ હતા તે પણ આરએસએસની જ વિદ્યાર્થી પાંખ હતી. જોકે આ ૭૦ના દાયકાની વાત છે અને તેઓ ક્યારેય તેની વિચારધારાના કેદી બનીને રહ્યાં નહોતા. જેવા તે પ્રોફેશનલ લાઇફમાં હતા તેનાથી તેમની પર્સનલ લાઇફ તદ્દન જુદી જ હતી. તેમણે ક્યારેય ગૌહત્યાના નામે હત્યા કરનારાઓને ટેકો ન આપ્યો. તેમણે ગૌરક્ષકોથી હંમેશા કિનારો કરી લીધો. તેઓ હંમેશા મુસ્લિમ તુષ્ટીકરણ વિરોધી વાત કરતાં હતાં પરંતુ તેમણે ક્યારેય મુસ્લિમ વિરોધી વાતો નથી કરી. તેઓ પણ અયોધ્યામાં રામ મંદિર ઇચ્છતા હતા પરંતુ તેમણે બાબરી મસ્જિદ શહીદ કરવામાં ભાગ લીધો નહોતો. તેમને એક જાણીતા વકીલ તરીકે ઓળખ મળી હતી અને તેમાંથી જ તેઓ રાજનેતા બન્યા હતા.

અરુણ જેટલી અને સુષમા સ્વરાજ : નરેન્દ્ર મોદી સરકાર ૨.૦ના મગજ અને માનવીય ચહેરાની હંમેશા ખોટ વર્તાશે

(એજન્સી) તા.૨૪
વડાપ્રધાન પદે બીજીવાર નરેન્દ્ર મોદી સંપૂર્ણ તાકાત અને બહુમતી સાથે આવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં બીજીવાર વિપક્ષને કારમો પરાજય આપ્યો અને આ વખતે પહેલી ટર્મ કરતાં વધુ સીટો સાથે વડાપ્રધાન મોદી બીજીવાર સત્તામાં પાછા આવ્યા. પરંતુ વડાપ્રધાન મોદી સાથે આ વખતે તેમની શાન સમાન અરુણ જેટલી નથી રહ્યાં. તે હંમેશા મોદીના વિશ્વાસુ રહ્યાં છે અને આવી જ રીતે તેમની સાથે સાથે સુષમા સ્વરાજ પણ હવે તેમની સાથે નથી. બંને હસ્તીઓ હવે નિધન પામી ચૂકી છે. ટોચની કેબિનેટમાં ચાર મહત્ત્વના સ્થાનોએ ભૂમિકા ભજવનારા આ બંને લોકોની વડાપ્રધાન મોદીને હંમેશા ખોટ વર્તાશે. વડાપ્રધાન મોદીની ૧.૦ સરકાર વખતે અરુણ જેટલી હંમેશા તેમની ઢાળ બનીને રહ્યાં. બંને વચ્ચે ત્યારથી કેમિસ્ટ્રી સારી હતી જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજમાન હતા. એ અરુણ જેટલી જ હતા જેમણે વડાપ્રધાન પદ માટે અને કેન્દ્ર સરકારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે મોદીના નામની ભલામણ કરી હતી. ર૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મોદીને આગળ વધાર્યા બાદ લાલકૃષ્ણ અડવાણી અને એમએમ.જોશીને તેમણે જ સાઇડલાઈન કર્યા હતા. મોદી સરકારની પહેલી ટર્મમાં સત્તામાં સમાનતા જેટલી એ જ લાવી હતી. આમ તો કેન્દ્રીય ગૃહમંત્રી પદ વડાપ્રધાન પદ પછી બીજો શક્તિશાળી પદ ગણાય છે પણ જ્યારથી કેન્દ્રીય નાણામંત્રી પદે અરુણ જેટલી આવ્યા હતા તે મોદી સરકારની પહેલી ટર્મમાં વડાપ્રધાન પદ પછી સૌથી મોટો બીજો પદ બની ગયો હતો. નાણામંત્રાલયમાં રહીને તેમણે જન ધન યોજના, આધાર લિન્ક યોજના, નોટબંધી, જીએસટી ટેક્સ, બેનામી સંપત્તિ કાયદો અને અન્ય અનેક મહત્ત્વપૂર્ણ યોજનાઓને મજબૂત રીતે રજૂ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.