(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૨૩
ભારતીય ટ્રેડ યુનિયન કેન્દ્ર, વડોદરા જિલ્લાનાં ઉપક્રમે વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનનાં કામદારો, યુનિયન એન્જીનિયરો તેમજ કારખાના કામદાર તથા વિવિધ કામદાર યુનિયનોની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત સી.આઇ.ટી.યુ.ના મહામંત્રી અરૂણ મહેતા પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
અરૂણ મહેતાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ભાજપ જાહેરાતો જુદી કરે છે અને કામ જુદા કરે છે. અમલ મુડીવાદીઓની તરફેણમાં કરે છે. મોદી સરકારે ચુંટણી જીતવા ૨૦૨૨ સુધી દરેક વ્યકિતને મકાન બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ તેઓની આર્થિક નિતી ઉદારીકરણ અને ખાનગીકરણની છે. કામદારોને લગતાં ૧૬ જેટલા કાયદાઓ હતા. જેના બદલે માત્ર ૨ જ કાયદાઓ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કામદારોનાં વિવિધ પ્રશ્નો ઉકેલવામાં પણ સરકાર નિષ્ફળ નિવડી છે.
સીટુ દ્વારા મળેલી મિટીંગમાં યુનિયનનાં પ્રમુખ ચેતન પંડયા, ઘનજીભાઇ પરમાર, ડાહ્યાભાઇ પરમાર, થોમસ મેકવાણ સહિત મોટી સંખ્યામાં કામદાર અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.