(એજન્સી) તા.ર૬
નરેન્દ્ર મોદી સરકાર પર તીવ્ર કટાક્ષ કરતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરીએ જણાવ્યું હતું તે એક ચાલવાળા ઘોડા જેવી છે જેની પાસે કાશ્મીર કે પાકિસ્તાન અંગેની કોઈ નીતિ જ નથી. અરૂણ શૌરીએ કહ્યું હતું કે આપણી પાસે એક ચાલનો જ અશ્વ (મોદી સરકાર) છે જે ફકત એ જ જાણે છે કે આ દેશના હિન્દુ-મુસ્લિમોને કેવી રીતે વિભાજિત કરવા. આ એવી સરકાર છે કે જેની પાસે બેંકો, કાશ્મીર કે પ્રશાસન અંગેની નીતિ જ નથી. ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રીએ નરેન્દ્ર મોદી સરકાર પર કાશ્મીર મુદ્દે નિષ્ફળ હોવાનો આરોપ મૂકતા હિન્દુ અને મુસ્લિમોને વિભાજિત કરવાવાળી સરકાર છે જેથી વધુમાં જણાવ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈક નકલી હતી તેમણે તેને ‘ફર્જિકલ સ્ટ્રાઈક’ કહી છે. હકીકતમાં અરૂણ શૌરી કાશ્મીર મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપનારા પૂર્વ મંત્રી અને કોંગ્રેસી નેતા સૈફુદ્દીન સોઝના નવા પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. પુસ્તકનું વિમોચન સોમવારે થયું હતું. અરૂણ શૌરીએ આ દરમિયાન કહ્યું કે નવાઝ શરીફે કહ્યું કે દેશી ઘીનું જમવાનું બન્યું છે અને અમે પહોંચી ગયા. સરકાર સૌનો સાથ સૌનો વિકાસ ના કરી શકી એટલે હિન્દુ-મુસ્લિમોને વિભાજિત કરવામાં આવી રહ્યા છે. સૈફુદ્દીન સોઝનું પુસ્તક ‘કાશ્મીર : ઈતિહાસ કી ઝલક ઔર સંઘર્ષ કી કહાની’ના વિમોચનના કાર્યક્રમથી કોંગ્રેસે અંતર જાળવ્યું. નિમંત્રણ સ્વીકાર્યા બાદ પણ કાર્યક્રમમાં પી.ચિદમ્બરમ્‌ સામેલ ના થયા. ચિદમ્બરમ્‌ને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જો કે, પાર્ટીના પૂર્વ વરિષ્ઠ નેતા જયરામ રમેશ તેમાં સામેલ થયા. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે પુસ્તક મુદ્દે ઊભા થયેલા વિવાદને જોતાં એવો અભિપ્રાય મળ્યો કે ચિદમ્બરમ્‌ે તેમાં સામેલ ના થવું જોઈએ. આ જ કારણ હતું કે પહેલાં આમંત્રણનો સ્વીકાર કર્યો હોવા છતાં ચિદમ્બરમ્‌ વિમોચન સમારંભમાં ના પહોંચ્યા. કાર્યક્રમ દરમિયાન સોઝે કહ્યું કે તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના વિચારનું સમર્થન કર્યું નથી. તેમણે કહ્યું કે કાશ્મીરની આઝાદી શક્ય નથી. તેનો ભારતીય બંધારણ હેઠળ આપણી સાથે સમાવેશ કરવો પડશે. તેમણે તેમ પણ કહ્યું કે કાશ્મીર ભારતને ઓળખવાની પ્રયોગશાળા છે અને હિંસાથી કોઈ સમાધાન શકય બનશે નહીં. પરંતુ વાતચીત એ એક માત્ર આશા છે.