(એજન્સી) તા.૨૮
જાન્યુ.૨૦૧૮માં સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠત્તમ જજો દ્વારા બોલાવવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સ અને તેમાં તેમણે કરેલી વાતો અને નિવેદનો પરથી આપણને કોર્ટની અંદર શું ચાલી રહ્યું છે એવો નિર્દેશ મળ્યો છે. આપણને એ વાત જાણવા મળી છે કે આપણા સૌની જેમ જજોને પણ પક્ષપાત હોય છે. ભારતમાં ખાસ કરીને ૧૯૭૦ બાદ મોટા ભાગના જજો બંધારણને અક્ષરસઃ વળગી રહેતા હતા અને કેટલાક તેનો ઊંડો અભ્યાસ કરીને તેનું અર્થઘટન કરવાની પોતાની ફરજ છે એવું માનતા હતા. જે લોકો પોતાને પ્રગતિશીલ માનતા હતા તેમને એવું જણાયું હતું કે તેમની પાસે માત્ર અધિકાર નથી પરંતુ બંધારણને બદલવાનો આદેશ છે.
આ અંગે જજો પોત પોતાની રીતે અલગ વલણ કે મત ધરાવતા હોય છે જેમ કે કેટલાક જજો સ્વયં રીતે શ્રમિકો તરફી હોય છે. તેઓ બોનસને મોકૂફ રાખેલ વેતન માને છે જ્યારે કેટલાક જજો રુઢીચુસ્ત હોય છે. આથી એક એવી છાપ ઊભી થાય છે કે પરિણામ હકીકતો પર કે કાયદા પર આધારિત નહીં હોય અને કઇ બેંચ પાસે ક્યો કેસ છે તેના આધારે પરિણામ આવશે.
આ પ્રથા, પદ્ધતિ અને પરંપરાને બદલવા એવું નક્કી થયું હતું કે બેંચો વિષયવાર નક્કી થશે અને બેંચો નક્કી કરતી વખતે જજનો પૃષ્ઠભૂમિ જોવા મળશે. જેમ કે જો જજે કાયદાની ચોક્કસ શાખામાં ખાસ ક્ષમતા હાંસલ કરી હોય તો વિષયવાર બેંચની રચનામાં આ બાબત પણ ધ્યાનમાં લેવામાં આવશે.
બીજી એક પરંપરા એ ઊભી થઇ હતી કે બંધારણના અર્થઘટન જેવા સંવેદનશીલ કેસો અથવા ઉચ્ચ સત્તાધારીઓને સંડોવતા કેસો વિશાળ બેંચને સોપવામાં આવશે અને આ બેંચ પર સિનિયર જજોની દેખરેખ હશે. પરંતુ છેલ્લા બે વર્ષથી અનિશ્ચિતતાને કારણે એવી દહેશત ઊભી થઇ છે કે એક પ્રકારની પેટર્ન જોવા મળી છે. ઉપરાછાપરી સંવેદનશીલ કેસો કે જેમાં વર્તમાન શાસકોનું હિત સમાયેલું છે એવા કેસો કોઇ ચોક્કસ જજની વડપણવાળી બેંચને સોંપવામાં આવી રહ્યા છે. આમ છેલ્લા બે વર્ષમાં જજોના પૂર્વગ્રહનો સામનો કરવા માટેની પ્રણાલિ કે પ્રથા હળવી બનતી ગઇ છે એવું અરુણ શૌરીએ જણાવ્યું હતું.