(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
પૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ શૌરીએ એવો આક્ષેપ લગાવ્યો છે કે, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનાં ઇમરજન્સી સમય કરતા પણ હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સમયમાં સ્થિતિ ખરાબ છે. કેમ કે, ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી બાદ દુખ વ્યક્ત કર્યુ હતું. શૌરીએ કહ્યુ કે, આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનાં વિજય રથને રોકવો હોય તો, દેશના તમામ વિરોધ પક્ષો એક મંચ પર આવે અને ભાજપનાં દરેક ઉમેદવાર સામે વિપક્ષો એક ઉમેદવાર ઉભો રાખે.
પૂર્વ કેન્દ્રિય મંત્રી અને હવે વડાપ્રધાન મોદીના આલોચક અરૂણ શૌરીએ વધુમાં ઉમેર્યુ કે, ૧૯૭૫માં જ્યારે ઇન્દિરા ગાંધીએ દેશ પર ઇમરજન્સી લાદી ત્યારે એક મજબુત અને નક્કી થયેલો વિપક્ષ હતો પણ વર્તમાન સમયમાં, ઘણા બધા વિપક્ષો છે. જો હું, ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે તફાવતની વાત કરૂ તો, એમ કહી શકાય કે, ઇન્દિરા ગાંધીને ઇમરજન્સી લાદ્યા પછીનાં સમયમાં તેમને તેમના આ પગલા પાછળ ઘણું દુખ થયું હતું.”
અરૂણ શૌરીએ મુંબઇમાં ટાટા લિટરેચર ફેસ્ટિવલમાં લેક્ચર આપતી વખતે આ વાત કહી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, નરેન્દ્ર મોદીમાં કોઇ પશ્ચાતાપ નથી. મને એવું લાગે છે કે, ઇન્દિરા ગાંધીએ ૧.૭૫ લાખ લોકોને જેલમાં ધકેલ્યા હતા પણ તેમણે એક આંકડો બાંધ્યો હતો. પણ હાલમાં આની કોઇ લિમીટ નથી. કોઇ આંકડો નથી. ઇમરજન્સી ૧૯ મહિના ચાલી હતી. પણ હાલમાં મોદી સરકાર દ્વારા દેશની સ્વાયત્ત સંસ્થાઓ પર હુમલાઓ થઇ રહ્યા છે, તેને ખતમ કરવામાં આવી રહી છે.એટલે નરેન્દ્ર મોદીનાં રાજમાં, ઇન્દિરા ગાંધીના ઇમરજન્સી સમય કરતા પણ વધારે હાલત ખરાબ છે.’
અરૂણ શૌરીએ ઉમેર્યુ કે, ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ટોચ પર હતી. આમ છતાં, તેમને ૩૧ ટકા મતો જ મળ્યા હતા. જો આગામી લોકસભામાં તમામ વિપક્ષો એકઠા થાય, તો તેમને ૬૯ ટકા મતો મળે”.
મોદીરાજમાં ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી કરતા પણ ખરાબ સ્થિતિ : અરૂણ શૌરી

Recent Comments