(એજન્સી) નવી દિલ્હી , તા. ૨૭
પુરસ્કાર વિજેતા લેખક-કાર્યકર અરૂંધતી રોયે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) અંગે સરકારી કર્મચારીઓ માહિતી મેળવવા આવે ત્યારે જુઠ્ઠું બોલવા અથવા ખોટા નામો આપવાની ભારતીયોને અરજ કરી છે. બૂકર પ્રાઇઝ વિજેતા અને બેસ્ટ સેલિંગ બૂક ‘ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ’નાં લેખક અરૂંધતી રોયે સીએએ-એનઆરસી-એનપીઆર સામે વિરોધ કરવા માટે અહીં યોજવામાં આવેલી ઇવેન્ટમાં ઉપર મુજબ કહ્યું હતું. તેમણે સરકારને ખોટી માહિતી આપવા અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર જાળવી રાખવાના સરકારના પ્રયાસને નિષ્ફળ બનાવવાની લોકોને અરજ કરી છે. દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસ ખાતે આટ્‌ર્સ ફેકલ્ટીની બહાર યોજવામાં આવેલી એક ચર્ચા દરમિયાન જણાવ્યું કે એનપીઆર શું છે ? શું પહેલા આ થયું છે. તેમણે કહ્યું કે સરકારી અધિકારીઓ તમારા ઘરે આવશે. સરકારી અધિકારીઓના લોકોના ઘરે આવવાની શરૂઆત થઇ ગઇ છે. તેઓ તમને કોઇ પ્રશ્ન પૂછશે નહીં, તેઓ તમારી પાસે દસ્તાવેજો માગશે નહીં પરંતુ એનપીઆરથી એનઆરસીનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.
દરમિયાન, અરૂંધતી રોયે જણાવ્યું કે ૨૨મી ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજવામાં આવેલી એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) અને દેશમાં ડિટેન્શન સેન્ટર નહીં હોવા વિશે આપણને નિર્લજ્જપણે જુઠ્ઠું બોલ્યું હતું. તેમણે કહ્યું કે મારો એવો પ્રશ્ન છે કે શું આપણને આ દેશના વડાપ્રધાન જુઠ્ઠું બોલે તો તે બરાબર છે ?