બુકર-પ્રાઈઝ વિજેતા ભારતીય લેખિકા અને કર્મશીલ અરૂંધતી રોયે મંગળવારે કરવામાં આવેલી વકીલો, પત્રકારો અને દલિત અધિકાર કર્મશીલોની ધરપકડને કેન્દ્રની મોદી સરકાર હેઠળ શરૂ થયેલી કટોકટી ગણાવી હતી. એક નિવેદનમાં અરૂંધતી રોયે કહ્યું હતું કે, ટોળામાં રહી હત્યાઓ કરનાર અને ધોળા દિવસે હત્યાઓ કરનારાઓના ઘરે છાપા મારવાને બદલે વકીલો, કવિઓ, લેખકો અને દલિત અધિકાર કર્મશીલોના ઘરે મારવામાં આવેલા છાપા આપણને જણાવે છે કે ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે. રોયે કહ્યું હતું કે જે કોઈપણ હિન્દુ બહુમતીવાદ સામે ન્યાયની માગણી કરે છે તેને ગુનેગાર બનાવી દેવામાં આવે છે જે કાંઈ પણ થઈ રહ્યું છે તે ખરેખર જોખમી છે. આ આગામી ચૂંટણીની તૈયારી છે. આપણે આવું ન થવા દેવું જોઈએ. આપણે એકજૂથ થવું જ પડશે નહીંતર આપણે બધી જ સ્વતંત્રતાઓ ગુમાવી દઈશું. આપણી સાથે જે થઈ રહ્યું છે તે કટોકટી જાહેર કરવાની ખૂબ જ નજીક છે. તેમણે કહ્યું હતું કે, આ વલણ ભારતના બંધારણ વિરૂદ્ધ બળવો કરવાનો પ્રયાસ છે.