(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
ર૦૦૮ના વર્ષમાં ચર્ચાસ્પદ બનેલ આરૂષિ તલવાર-હેમરાજ હત્યાકાંડમાં ડૉક્ટર દંપતી રાજેશ અને નુપુર તલવારને અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દોષ છોડી મૂકતાં સીબીઆઈએ હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અપીલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. જે અરજી સુપ્રીમે સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સીબીઆઈની અપીલની સાથે ઘરનોકર હેમરાજની પત્ની દ્વારા દાખલ થયેલ અરજીની પણ સુનાવણી થશે. ગયા વર્ષે હાઈકોર્ટે તલવાર દંપતીને છોડી મૂકયું હતું. એમને સુપ્રીમ કોર્ટે સમન્સ મોકલ્યો છે. હેમરાજની પત્નીએ પણ ડૉક્ટર દંપતીને છોડી મૂકવાના આદેશ સામે અપીલ કરી હતી. ગયા વર્ષે ૧રમી ઓકટોબરે અલ્હાબાદ હાઈકોર્ટે રેકર્ડ ઉપર મળેલ પુરાવાઓના આધારે રાજેશ અને નુપુરને સીબીઆઈની કોર્ટે દોષી ઠરાવી જન્મટીપની સજા ફટકારી હતી. હાઈકોર્ટે આ ચુકાદાને પલટાવતા બંનેને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા આદેશ કર્યો હતો. સીબીઆઈએ આ વર્ષે માર્ચ મહિનામાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સીબીઆઈએ જણાવ્યું કે, હાઈકોર્ટનો ચુકાદો ભૂલભરેલ છે. નીચલી કોર્ટે જે ચુકાદો આપ્યો હતો, એ વિચારીને આપ્યો હતો. નીચલી અદાલતે જે પુરાવાઓ ધ્યાનમાં લીધા હતા એની અવગણના કરી નહીં શકાય. જે સાક્ષીઓ ઉપર અમે વિશ્વાસ ના મૂકયો એ જ સાક્ષીઓ ઉપર હાઈકોર્ટે વિશ્વાસ મૂકયો છે. જેમની ઉપર અમોએ વિશ્વાસ મૂકયો અને હાઈકોર્ટે રદ્દ કર્યો. ઉત્તરપ્રદેશ પોલીસે રાજેશ તલવાર ઉપર એમની પુત્રીની હત્યાનો આરોપ મૂકયો હતો. ર૩મી મે ર૦૦૮ના રોજ એમની અને એમની પત્નીની ધરપકડ કરાઈ હતી. ૩૧મી મે ર૦૦૮ના રોજ સીબીઆઈને તપાસ સોંપાઈ હતી.