(સંવાદદાતા દ્વારા) મોડાસા,તા.૧
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ત્રાટકેલું વાવાઝોડું બંને જિલ્લામાં આફતરૂપી બની રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં ૨૦ થી વધુ કાચા મકાનો ધરાશાયી થયા હતા. ભિલોડાના લાલપુર ગામે મકાન ધરાશાયી થતા મામાના ઘરે દાવલી આવેલ દાવલીના પાંચ વર્ષીય રણવીર લાલાભાઇ ખાંટ સહીત ૭ લોકો કાટમાળ દટાયા હતા. જેમાં રણવીરનું મોત નીપજ્યું હતું. આજુબાજુથી દોડી આવેલા લોકોએ કાટમાળ નીચે દટાયેલા ૬ લોકોને બહાર કાઢી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
ભિલોડામાં આભ ફાટ્યું હોય તેમ રાત્રીના સુમારે બે કલાકમાં ૭ ઇંચ વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભિલોડાને જોડાતા માર્ગો પર ઝાડ ધરાશાયી તમામ માર્ગો બંધ થઈ જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. તંત્રએ રોડ પરથી ઝાડ હટાવવાની કામગીરી હાથધરી હતી વીજપુરવઠો ખોરવાયો હતો હાથમતી, બુઢેલી અને ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા હતા મોડાસા, બાયડ, ધનસુરા, માલપુર અને મેઘરજ તાલુકામાં ૩ ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા અને કાચા-પાકા મકાનો અને ઝાડ ઠેર-ઠેર પડી ગયા હતાં.
અરવલ્લી જિલ્લા હાઈવે ટ્રાફિક પીએસઆઈ જાડેજા અને તેમની ટીમે મોડાસા-ધનસુરા હાઇવે રોડ ઉપર, રહીયોલ ફાટક પાસે ભારે વરસાદ અને પવનના કારણે ૮ થી ૧૦ વૃક્ષો રોડ ઉપર પડી ગયા હતા. જેથી વાહનચાલકો, મુસાફરોને પરેશાની થાય તેવી પરિસ્થિતિ સર્જાય તેમ હતી જેથી સ્થળ ઉપર પહોંચી વૃક્ષોને રોડ ઉપરથી હટાવી, કોઈ અકસ્માતનો બનાવ ન બને તે રીતે ટ્રાફીક નિયમન કરાવી ટ્રાફીક રાબેતા મુજબ ચાલુ કરાવ્યો હતો ટ્રાફિક પોલીસની માનવતા ભરી કામગીરી જોઈ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોએ પોલીસની કામગીરીની સરાહના કરી હતી