(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
જજ શરદ અરવિંદ બોબડેએ આજે ભારતના ૪૭માં મુખ્ય ન્યાયાધીશ તરીકે સોગંદ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એમને સોંગદ લેવડાવ્યા હતા. એ લગભગ ૧૮ મહિના સુધી મુખ્ય ન્યાયાધીશ તરીકે કામગીરી કરશે. એમનું કાર્યકાળ ર૩ એપ્રિલ ર૦ર૧માં પૂર્ણ થશે. ભારતના ૪૬મા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ ગઈકાલે નિવૃત્ત થયા હતા. એ પછી એમના ઉત્તરાધિકારી તરીકે એમણે જજ બોબડેની ભલામણ કરી હતી. નોંધનીય છે કે, જજ બોબડેની મહત્ત્વપૂર્ણ ચુકાદાઓમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી જેમાં અયોધ્યા કેસનો ચુકાદો પણ સામેલ છે. આ પહેલાં જજ બોબડે મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ રહી ચૂકયા છે. સોગંદ લીધા પછી એમણે તરત પોતાની માતાના ચરણ સ્પર્શ કર્યા હતા જેમને સ્ટ્રેચર ઉપર રાષ્ટ્રપતિ ભવન લાવવામાં આવ્યા હતા.
સીજેઆઈ શરદ અરવિંદ બોબડે સાથે જોડાયેલ ૧૦ મહત્ત્વપૂર્ણ હકીકતો
૧. જજ બોબડેનો જન્મ ર૪મી એપ્રિલ ૧૯પ૬માં નાગપુરમાં થયો હતો. એમણે સ્નાતક અને કાયદાનો અભ્યાસ પણ નાગપુર યુનિ.માંથી કર્યો હતો.
ર. જજ બોબડેના દાદા એક વકીલ હતા. એમના પતિા અરવિંદ બોબડે ૧૯૮૦ અને ૧૯૮પમાં મહારાષ્ટ્રના એટર્ની હતા. એમના મોટા ભાઈ સ્વ.વિનોદ અરવિંદ બોબડે સુપ્રીમકોર્ટના વરિષ્ઠ વકીલ અને બંધારણીય નિષ્ણાંત હતા.
૩. ૧૯૭૮માં એમણે મહારાષ્ટ્ર બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધણી કરાવી હતી.
૪. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં ર૧ વર્ષ સુધી સેવાઓ આપ્યા પછી ૧૯૯૮માં એ વરિષ્ઠ વકીલ બન્યા હતા.
પ. બોબડેને ર૯મી માર્ચ બોમ્બે હાઈકોર્ટમાં વધારાના જજ તરીકે નિમણૂંક અપાઈ હતી.
૬. ૧૬મી ઓક્ટોબર ર૦૧રના રોજ જજ બોબડે મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા.
૭. ૧રમી એપ્રિલ ર૦૧૩માં એમને બઢતી અપાઈ અને સુપ્રીમકોર્ટમાં જજ તરીકે નિમણૂંક કરાઈ. એ દરમિયાન કેટલાક મહત્ત્વ કેસોનો ચુકાદો એમણે આપ્યો હતો.
૮. જજ બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની કમિટીએ પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈને એમના ઉપર સુપ્રીમકોર્ટની મહિલા કર્મચારી દ્વારા લગાવવામાં આવેલ જાતીય સતામણીના આક્ષેપોમાં ક્લિનચીટ આપી હતી.
૯. જજ બોબડે ર૦૧પના વર્ષમાં કોર્ટની ૩ જજોની બેંકમાં સામેલ હતા જેમાં નિર્ણય કરાયું હતું કે, આધારકાર્ડ સિવાય કોઈ પણ નાગરિકને મૂળભૂત સેવાઓ અને સરકારી સેવાઓથી વંચિત નહીં રાખવામાં આવે.
૧૦. જજ બોબડેની આગેવાની હેઠળની બેંચે સીએજી વિનોદ રાયની આગેવાની હેઠળ બનાવાયેલ પ્રશાસકોની સમિતિને નિર્દેશો આપ્યા હતા કે એ ચૂંટાયેલ સભ્યો માટે નિવૃત્ત થાય.