(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે મુલાકાત કર્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર સુપ્રીમ કોર્ટના આદેશ નહીં માનવાનો આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે આરોપ લગાવ્યો કે, અનિલ બૈજલ દિલ્હી સરકારને સેવાઓનો અંકુશ સોંપવાનો ઇન્કાર કરી રહ્યા છે અને એવી દલીલો કરી રહ્યા છે કે, ઉપરાજ્યપાલને સેવાઓને સોંપવાના સરકારના ૨૦૧૫ના આદેશને સુપ્રીમ કોર્ટે રદ નથી કર્યો. કેન્દ્ર સરકાર અને ભાજપદિલ્હી સરકારને કામ સોંપવામાં રસ નથી. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાને યાદ અપાવતા કહ્યું કે, ઉપરાજ્યપાલનો હવે જમીન, પોલીસ અને જાહેર સેવાઓ પર જ અંકુશ છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. કેજરીવાલે પોતાના ટિ્‌વટમાં કહ્યું કે, દિલ્હીના વિકાસ માટે અમારે બધાએ મળીને કામ કરવું જોઇએ. બંધારણ સૌથી ઉપર છે. સુપ્રીમ કોર્ટનો આદેશ દેશન કાયદો છે. તેઓએ આનું સન્માન કરવું જ જોઇએ.
૨. મુખ્યમંત્રી બૈજલના ટિ્‌વટનો જવાબ આપી રહ્યા હતા જેમાં તેમણે લખ્યું હતું કે, તેમણે કેજરીવાલ અને મનિષ સિસોદિયાને આશ્વાસન આપ્યું છે કે, ‘પત્ર અને બંધારણની ભાવના અનુસાર સારા શાસનના અને સમગ્ર દિલ્હીના વિકાસના હિતમાં હું સમર્થન અને સહકાર આપતો રહીશ’.
૩. કેજરીવાલે સમર્થન માટે લખેલા પત્ર બાદ બૈજલ બેઠક માટે સહમત થયા હતા જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ચૂંટાયેલી સરકારે તેમની સંમતિ લેવાની જરૂર નથી. કોર્ટના આદેશને યાદ અપાવતા તેમણે કહ્યું કે, ઉપરાજ્યપાલ પાસે ફક્ત જમીન, પોલીસ અને જાહેર વહીવટનો જ અંકુશ છે. જે તેનો ભંગ કરે તેને કોર્ટનું અનાદર ગણાશે.
૪. બુધવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ અધિકારીઓની બદલીની સત્તા મુખ્યમંત્રી પાસે હોવાના આદેશ પર સહી કરી હતી. તેમણે કહ્યું કે, સુપ્રીમ અનુસાર આ માટે ઉપરાજ્યપાલની સંમતિની જરૂર નથી.
૫. જોકે, વહીવટી અધિકારીઓએ આ આદેશ ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે, સરકારના ૨૦૧૫ના આદેશને કોર્ટે રદ કર્યો નથી અને વિભાગના વડા ઉપરાજ્યપાલ જ રહેશે.
૬. ફેસબૂક પોસ્ટમાં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતુ કે, દિલ્હી સરકાર ચુકાદાને એ રીતે વાંચી રહી છે કે, કેન્દ્રશાસિત પ્રદેશના કેડર ઓફિસરોની વહીવટી સત્તા સુપ્રીમ કોર્ટે આપી દીધી છે જે ‘સંપૂર્ણ ભૂલભરેલું’ છે.
૭. જેટલીએ કહ્યું હતું કે, કોર્ટે સ્થાપ્યું ‘રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની સત્તામાં વધારો કરવો કે નહીં અથવા તેને કોઇ રીતે ઓછી કરવી. કોર્ટે ચૂંટાયેલી સરકાર પર ભાર મુક્યો પરંતુ દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેથી સત્તા કેન્દ્ર પાસે રહે.
૮. કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે અધિકારીઓની બદલી અને નિમણૂંકનો મુદ્દો મુખ્ય હતો.બાદમાં કેન્દ્ર દ્વારા સેવાઓને રાજ્યપાલના દાયરામાં લાવતા વિવાદ વધ્યો હતો જેમાં અધિકારીઓ પણ તેમાં જોડાયા હતા.
૯. ગયા મહિને કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, અધિકારીઓ અંશુ પ્રકાશ પર હુમલા મુદ્દે હડતાળ કરી રહ્યા છે. તેમણે ઉપરાજ્યપાલને આ મુદ્દેે દખલ કરવા કહેતા બૈજલના વેઇટિંગ રૂમમાં નવ દિવસ સુધી ધરણા કર્યા હતા.
૧૦. બુધવારે સુપ્રીમ કોર્ટે દ્વારા અપાયેલા આદેશને કેજરીવાલે મોટો વિજય ગણાવ્યો હતો અને કહ્યું કે, ‘લોકતંત્રમાં ચૂંટાયેલી સરકાર પાસે જ સત્તા હોય. રાજ્ય કોઇપણ દખલ વિના આઝાદીની મજા માણી શકે છે.