(એજન્સી) તા.૧૭
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દેશના પછાતપણા પર અફસોસ જાહેર કરતા જણાવ્યુ હતુ કે જો દિલ્હી આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકે તો અન્ય રાજ્ય તેનું અનુકરણ કેમ કરી શકે નહીં? કેજરીવાલે જણાવ્યુ હતુ કે ભારત દેશને આજકાલ એવા સ્થળ તરીકે ઓળખવામાં આવી રહ્યુ છે જ્યાં કોમી રમખાણો અને મહિલાઓ સાથે બળાત્કાર થાય છે પરંતુ સાથે સાથે ભારત હવે મહોલ્લા ક્લિનિક જેવી સારી વસ્તુઓ માટે પણ ઓળખાવા લાગ્યુ છે કે જેની દુનિયાભરમાં ચર્ચા થઇ રહી છે.
સ્વાતંત્રદીને અહીં છત્ર સાલ સ્ટેડિયમમાં પોતાના સંબોધનમાં તેમણે એવો દાવો કર્યો હતો કે આમઆદમી પાર્ટીના છેલ્લા ત્રણ વર્ષના શાસનમાં અસાધારણ વિકાસ થયો છે.તેમણે દાવો કર્યો છે કે શાળાના શિક્ષણમાં સુધારા અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મોહલ્લા ક્લિનિક જેવી યોજનાઓ અંગે દુનિયાભરમાં ચર્ચા થઇ રહી છે.સંયુક્ત રાષ્ટ્રસંઘના પૂર્વ મહામંત્રી કોફી અન્નાન મહોલ્લા ક્લિનિક જોવા ૬ સપ્ટે.એક પ્રતિનિધિ મંડળ સાથે ભારત આવી રહ્યા છે.
કેજરીવાલે જણાવ્યુ હતુ કે પ્રશ્ન એ છે કે ભારત પછાત કેમ છે?જો દિલ્હી ત્રણ વર્ષમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી પુરવઠો અને વીજ પુરવઠો જેવા ક્ષેત્રોમાં સફળતા હાસલ કરી શકે છે તો ભારતના બાકીના રાજ્યો આવી સફળતા કેમ હાસલ કરી ન શકે? કાર્યક્રમમાં જ્યારે ભારત માતાકી જયના નારા સંભળાવા લાગ્યા ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે આ સપનુ ત્યારે સાકાર થશે જ્યારે તમામ બાળકોને સારુ શિક્ષણ મળશે,ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળશે,મહિલાઓ સુરક્ષીત બનશે અને કોઇ પણ દેશ ભારતને આંખ નહીં બતાવે.
બીજા વિશ્વયુદ્ધમાં સાવ નાશ પામેલ જાપાન ફરીથી ઊભુ થઇ ગયુ અને અત્યારે ભારતથી આગળ છે.ભ ારત બાદ સ્વતંત્રતા પ્રાપ્ત કરનાર અન્ય ઘણા દેશો અત્યારે ભારત કરતા વધુ વિકસિત છે.જો દેશમાં બાળકોને સારુ શિક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે તો આપણી ગરીબી અને બેરોજગારી એક જ પેઢીમાં ગાયબ થઇ જશે એવુ દિલ્હીના મુખ્ય પ્રધાને જણાવ્યુ હતુ.