(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
દિલ્હી સરકારના જાહેર બાંધકામ વિભાગમાં થયેલા એક ગોટાળાના સંદર્ભમાં લાંચરૂશ્વત વિરોધી દળે ગુરૂવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સાળાના પુત્ર વિનય બંસલની ધરપકડ કરી છે. ગયા મે માસમાં મુખ્યમંત્રીના સાળા સુરેન્દ્ર બંસલની કંપની સામે એસીબીએ ૩ ફરિયાદો નોંધી હતી. જેમાં રેણુ કન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે. ફરિયાદમાં એસીબીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કે બાંધકામ મંત્રી સત્યેન્દ્ર જૈનનો ઉલ્લેખ કર્યો નથી. રાહુલ શર્મા નામના ફરિયાદીએ આરોપ મૂક્યો હતો કે કેજરીવાલ અને જૈને બંસલને ઠેકા આપવામાં ધાંધલી કરી હતી. રાહુલ શર્મા રોડ એન્ડ કરપ્શન ઓર્ગેનાઈઝેશનના સ્થાપક છે. તેમણે કહ્યું કે તેમની સંસ્થા રાષ્ટ્રીય રાજધાનીમાં બાંધકામ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરે છે. બંસલની કંપનીએ ઉત્તર દિલ્હીમાં બિલ્ડીંગ ડ્રેનેજ કામમાં નાણાકીય ગોટાળા કર્યા હતા. કામ પૂરું થયું ન હોવા છતાં ચૂકવણી થઈ હતી. આમ આદમી પાર્ટીએ આ ઘટનાને એક રાજકીય કિન્નાખોરી બતાવી કેજરીવાલની છાપને ખરાબ કરવાનો પ્રયાસ બતાવ્યો છે.