(એજન્સી) તા.૨ર
આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે એવો આક્ષેપ કર્યો છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં પરાજય ટાળવાના આખરી ઉપાય તરીકે ભાજપ દિલ્હીમાં મતદાર યાદીમાંથી મતદારોના નામ રદ કરાવી રહી છે. આ આક્ષેપ સામે વળતો જવાબ આપતા દિલ્હી ભાજપના વડા મનોજ તિવારીએ જણાવ્યું હતું કે ૧૫ લાખ મતદારોના નામો રદ કરવાના મુદ્દે ચૂંટણી પંચ પર આક્રમણ કરીને આમ આદમી પોતાની હતાશા અને નિરાશા વ્યક્ત કરી રહી છે.
તઘલખાબાદમાં મતદારોની યાદીમાંથી નામો રદ કરવામાં ચૂંટણી પંચની તપાસને ભાજપના નેતા રાઘવ ચઢાએ હાસ્યાસ્પદ ગણાવ્યા બાદ કેજરીવાલે ભાજપ પર આ મુદ્દે પ્રહારો કર્યા હતા. ૨૦૧૫માં છેલ્લી વિધાનસભા ચૂંટણી બાદ દ.દિલ્હીમાં ૧ લાખ કરતા વધુ મતદારોના નામ રદ કરવામાં આવ્યા છે એવા આમ આદમી પાર્ટીના દાવાની ચકાસણી કરવા ચૂંટણી પંચે તઘલખાબાદના લાલકૂવા અને ઋષિકેશનગરમાં દરેક ઘરે ફરીફરીને સર્વે કર્યો હતો. આ અંગે કેજરીવાલે ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે ભાજપ હારી રહ્યો છે. ભાજપનો આ છેલ્લો ઉપાય છે. તેમણે મતદાર યાદીમાંથી લાખો નામ રદ કરાવી નાખ્યા. આશા રાખીએ કે ચૂંટણી પંચ આ મુદ્દે કડક વલણ અખત્યાર કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર ઓ પી રાવતને પત્ર લખીને ચઢાએ નામો રદ કરવામાં નવેસરથી તપાસની માગણી કરી હતી. દિલ્હી ભાજપના વડા તિવારીએ એવો દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીમાં પરાજયને નિહાળી રહી છે અને હવે ચૂંટણી પંચ પર હુમલો કરી રહી છે.
આ મહિનાના આરંભે આપનું પ્રતિનિધિ મંડળ મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યું હતું અને એવો આક્ષેપ કર્યો હતો કે આપ અને કોંગ્રેસને સમર્થન આપી રહેલા ૧૦ લાખ કરતા વધુ મતદારોના નામો દિલ્હીમાં રદ કરવામાં આવ્યા છે. જો કે દ.ઇસ્ટ દિલ્હીના જિલ્લા ચૂંટણી અધિકારીએ આપના આ આરોપને બેબુનિયાદ ગણાવ્યો હતો.