(એજન્સી) નવી દિલ્હી,તા.૧૮
સોમવારે દિલ્હીમાં શીખ વિરોધી રમખાણોના કેસમાં મહત્વના ચુકાદારૂપે કોંગ્રેસના પૂર્વ નેતા સજ્જન કુમારને જનમટીપની સજા ફટકારવામાં આવી હતી. આ ચુકાદા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં થયેલા કોમી રમખાણોમાં સંડોવાયેલા રાજકીય મોટા માથાઓને પણ સજા થવી જોઈએ. કેજરીવાલે ગુજરાત તેમજ મુઝફ્ફરનગર સહિતની હિંસાના બનાવોમાં સંડાવાયેલા રાજકીય નેતાઓને પણ સજા થવી જોઈએ તેમ જણાવ્યું હતું.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના મતે સામાન્ય લોકો શાંતિ અને સૌહાર્દ પસંદ કરે છે પરંતુ કેટલાક રાજકીય તત્વો તેમની વચ્ચે હિંસા ભડકાવવાનું કામ કરે છે. ૧૯૮૪ શીખ રમખાણ કેસમાં દિલ્હી હાઈકોર્ટના ચુકાદાનું હું સમ્માન કરું છું. ન્યામાં વિલંબ જરૂર થયો પરંતુ અંતે ન્યાય તોળાયો ખરો. ‘આશા છે કે ૧૯૮૪ના રમખાણોમાં સંડોવાયેલા તમામ મોટા માથાઓને પણ સમયસર સજા થાય. આ ઉપરાંત ૨૦૦૨ ગુજરાત રમખાણો તેમજ ૨૦૧૩ મુઝફ્ફરનગર રમખાણોમાં પણ રહેલા રાજકીય નેતાઓને સજા થવી જોઈએ,’ તેમ કેજરીવાલે જણાવ્યું હતું.
કેજરીવાલના મતે હિન્દુ અને મુસ્લિમો ઝઘડવા નથી માંગતા પરંતુ મોટા રાજકીય નેતાઓ તેમને ભડકાવવાનો પ્રયાસ કરે છે. આવા લોકોને આકરી સજા થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવું કરવાથી ડરે અને ઉદાહરણ બને.