(એજન્સી) તા.૨૩
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા સુધી ભૂખ હડતાલ પર જવાની જાહેરાત કરી છે. દિલ્હી વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે જાહેરાત કરી હતી કે, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે પહેલી માર્ચથી દિલ્હીમાં જ અમે અનિશ્ચિત સમય સુધી ભૂખ હડતાલ પર ઉતરીશું. તેમણે કહ્યું કે હું અનિશ્ચિતકાળ માટે ભૂખ હડતાળ કરવા જઈ રહ્યો છું. તેમણે કહ્યું કે હું ૧ માર્ચથી ભૂખ હડતાળ શરૂ કરીશ. હું આ ભૂખ હડતાળ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે કરીશ. હું મૃત્યુનો સામનો કરવા પણ તૈયાર છું. કેજરીવાલે આ ટિપ્પણી દિલ્હી વિધાનસભામાં કરી હતી. ઉલ્લેખનીય બાબત છે કે થોડા દિવસ પહેલા કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની અપીલ કરી હતી. ૨૦ ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશ અને મિઝોરમના સ્થાપના દિને અભિનંદન પાઠવતી પીએમની ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા કેજરીવાલે ટ્વીટ કરી હતી કે, સર, દિલ્હી પણ તેના સ્થાપના દિવસની રાહ જોઇ રહી છે. તમે દિલ્હીને વચન આપ્યું હતું કે, દિલ્હીને પર્ણ રાજ્યનો દરજ્જો આપીશું. હવે મહેરબાની કરો. દિલ્હીના લોકો ૭૦ વર્ષથી અન્યાય સહન કરી રહ્યા છે. એક મંતવ્ય એ પણ છે કે, આગામી ટૂંક જ સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે અને આમ આદમી પાર્ટી આ મુદ્દાને તેના પ્રચાર અભિયાનમાં સામેલ કરી એક જન આંદોલનનું રુપ આપવાની યોજના બનાવી રહી છે. આમ આદમી પાર્ટી ભાજપાના ૨૦૧૪ લોકસભા ચૂંટણીનું જાહેરપત્ર સહિત ગત ચૂંટણીનું જાહેરપત્ર પણ દિલ્હીમાં વહેંચશે, જેમાં ભાજપાએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગનું સમર્થન કર્યું હતું. કેજરીવાલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી બન્યા પહેલા મોદીએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. હવે તેઓ પ્રધાનમંત્રી છે. દિલ્હીના લોકો તેમને એ વચન યાદ કરાવવા માગે છે.
મૃત્યુનો સામનો કરવા પણ તૈયાર : દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા અરવિંદ કેજરીવાલ ભૂખ હડતાળ કરશે

Recent Comments