(એજન્સી) તા.૧૪
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાની કોઈ વ્યક્તિની કે કોઈ પાર્ટીની સંપત્તિ નથી અને દિલ્હીના લોકો તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા વિશે નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે ર૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો ઉઠાવ્યો છે. કેજરીવાલ અને તેમની પાર્ટીના કાર્યકરોએ ર૦૧૪માં ભાજપે બહાર પાડેલા ચૂંટણી ઢંઢેરાની નકલો આપી હતી જેમાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વચન હતો. મીડિયાને સંબોધિત કરતા કેજરીવાલે દાવો કર્યો હતો કે છેલ્લા ૭૦ વર્ષથી દિલ્હીના લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે અને તેમનું શોષણ થઈ રહ્યું છે. કેજરીવાલે દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીને આડે હાથ લેતા કહ્યું હતું કે તિવારી કહે છે કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો ન આપી શકાય કારણ કે હું ધરણા પર બેઠો હતો. તેમણે તિવારીને ઉદ્દેશીને કહ્યું હતું કે શું દિલ્હી તમારા બાપાની છે ? તમે કોણ છો ? આમ સંયોજકે કહ્યું હતું કે હું મનોજ તિવારીને પૂછવા માંગું છું કે જ્યારે મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન કર્યું તો શું બંગાળને અંશતઃ રાજ્ય બનાવી દેવામાં આવ્યું, જ્યારે નર્મદા મુદ્દે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિરોધ કર્યો તો શું ગુજરાતને અંશતઃ રાજ્ય બનાવી દેવામાં આવ્યો, જ્યારે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા માટે ચંદ્રબાબુ નાયડુએ ધરણા કર્યા તો શું આંધ્રને અશંતઃ રાજ્ય બનાવી દેવામાં આવ્યું. નીતિશકુમારના વિરોધ પ્રદર્શનને કારણે શું બિહારને અંશતઃ રાજ્ય બનાવી દેવામાં આવ્યો ?’ કેજરીવાલે કહ્યું હતું કે લોકશાહી માટે અમારા સ્વતંત્રતા સેનાનીઓ લડ્યા હતા. તિવારી કે મોદીના પિતાજી લડ્યા ન હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હીના લોકો નિર્ણય કરશે કે તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો કે નહીં. ઉલ્લેખનીય છે કે મનોજ તિવારીએ કહ્યું હતું કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો ન આપી શકાય કારણ કે તેના મુખ્યમંત્રીએ રેલ ભવન આગળ ધરણા કર્યા હતા.